બોરસદના ૪૦ દારૂખાનાઓને તંત્ર દ્વારા સીલ કરાતા વેપારીઓમાં વિસ્ફોટક મનોવિરોધ!
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા ૨૧ જેટલા લોકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં ફટાકડાની ફેકટરીઓ અને દુકાનોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે,જે અંતર્ગત બોરસદમાં પ્રાંત અધિકારીની સુચના મુજબ મામલતદાર કચેરી દ્વારા શહેરની ૪૦થી વધુ અને ગામડાની ૮થી વધુ દારૃખાનાનું વેચાણ કરતી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા રિજનલ ફાયર ઓફિસરનું પ્રમાણપત્ર ન હોય તેવી દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા.
બોરસદ અને આંકલાવમાં દારૃખાનાનું વેચાણ અને ઉત્પાદન કરતા વેપારીઓને ત્યાં પ્રાંત અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવાની સૂચના બોરસદ-આંકલાવ મામલતદારને આપતા શહેરી વિસ્તારમાં નગરપાલિકાના સ્ટાફ સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે તમામ કચેરીના અધિકારીઓ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી છેલ્લા ચાર દિવસથી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે બોરસદમાં મોટાભાગના વેપારીઓ પાસે બોરસદ નગરપાલિકા મામલતદાર અને પ્રાંત અધિકારી આણંદ જિલ્લા ફાયર ઓફિસરનું લાયસન્સ હોવાનું બહાર આવ્યું હતું.પરંતુ વડોદરા રીઝનલ ઓફિસરનું લાયસન્સ ન હોવાથી હાલ પૂરતી દારૃખાનાનું વેચાણ કરતી દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી.
આ અંગે વેપારીઓનું જણાવ્યું હતુ કે વડોદરા રિજનલ ઓફિસર લાયસન્સ લેવાનો કાયદો થોડા સમય પહેલા જ આવ્યો હતો. પરંતુ અમારી જોડે જુના લાયસન્સ છે ત્યારે તે સમયે આણંદથી જ આ લાયસન્સ મળી જતું હતું પરંતુ હાલ નવા કાયદા મુજબ હવે નવું રીન્યુ આવશે ત્યારે અમારે વડોદરાથી લાયસન્સ મેળવવાનું રહેશે પરંતુ હાલ અધવચ્ચે જ અમારી દુકાનો સીલ થઈ જતા અમે પણ મૂંઝવણમાં મુકાયા છે. આ બાબતે અમોએ વડોદરા રીજનલ ઓફિસે પણ સંપર્ક સાધ્યો હતો. ત્યાંથી તેઓએ જણાવ્યું હતું કે અમે બે લાયસન્સ આપી શકીએ નહીં.તમારું આણંદનું લાઇસન્સ પતી જાય ત્યારબાદ આવજોતમને વડોદરાથી લાઇસન્સ નવું મળશે. હાલ તો તમામ મોટાભાગના જુના વેપારીઓ પાસે ડિસેમ્બર ૨૦૨૫ સુધીના લાયસન્સ છે ત્યારે તેઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. હાલ પ્રાંત અધિકારી દ્વારા બનાવેલી ટીમ દ્વારા મોટાભાગના લાયસન્સ ધારકોની દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે. આ બાબતે મામલતદાર કચેરીના તપાસણી અધિકારીએ જણાવ્યું હતું કે મોટા ભાગના દુકાનદારો પાસે વડોદરા રીજનલ ઓફિસના લાયસન્સ નથી. તદુપરાંત ફાયર સેફ્ટીના સાધનો પણ યોગ્ય જરૃરિયાત મુજબના નથી, સફાઈની કોઈ વ્યવસ્થા નથી, નજીક-નજીક દુકાનો આવેલ છે જે રહેણાંક વિસ્તારમાં જ છે ત્યારે આ અનેક મુદ્દાઓને ધ્યાનમાં દુકાનોને સીલ મારવામાં આવ્યા છે. તકેદારીના ભાગરૃપે સીલ મારેલી દુકાનોનું વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે. જેથી શોર્ટ સર્કિટથી કોઈપણ બનાવ બને નહીં. આ બાબતે પ્રાંત અધિકારીને તમામ લાયસન્સ રદ કરવાનો રિપોર્ટ કરવામાં આવવાનો છે કારણ કે એક પણ દારૃખાનાના વેચાણ કરતા વેપારીઓને સરકારના નિયમ મુજબ લાયસન્સ આપી શકાય તેમ નથી.
બોરસદ શહેરમાં ૪૦ જેટલી દુકાનો તંત્ર દ્વારા સીલ કરવામાં આવી છે.આ સીલ કરેલ દુકાનોમાં દારૃખાનાનો થોડો-થોડો જથ્થો રાખવામાં આવ્યો હતો.જયારે મોટાભાગનો જથ્થો ડીસામાં બનાવ બન્યા બાદ વહેપારીઓએ રાતોરાત હટાવીને જુદા-જુદા સ્થળે આવેલ ગોડાઉનોમાં ભરી દેવામાં આવ્યો છે.અને ત્યાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી નથી.ત્યારે આ જથ્થાનું વેચાણ વહેપારીઓ સીઝન દરમિયાન ગોડાઉનો પરથી કરશે ત્યારે તંત્ર દ્વારા આ મામલે ગોડાઉનોની પણ તપાસ કરવામાં આવે મોટો જથ્થો ઝડપાઇ શકે છે.