બોરસદ: જિલ્લામાં કસ્ટોડિયનની નિમણૂંક માટે રજીસ્ટ્રારની જાહેર જાહેરાત પુન: ચર્ચામાં
બોરસદ એપીએમસીની તાજેતરમાં પૂરી થયેલ ચૂંટણીમાં વર્ષો બાદ ભાજપે સત્તા હસ્તગત કરી છે. તો ત્યારબાદ આંકલાવ એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો બિનહરિફ જાહેર થયા હતા. આ બંને ચૂંટણીઓએ બોરસદ, આંકલાવ પંથકના સહકારી આલમને વિચારવાની ભૂમિકામાં મૂકી દીધો હતો. ત્યાં હવે ધી બોરસદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા કસ્ટોડિયનની નિમણૂંક કરવાનું જાહેર કરવામાં આવ્યાનો મામલો પુન: ચર્ચિત બન્યો છે. ઉલ્લેખનીય છે કે, લગભગ ત્રીસેક વર્ષથી સંઘમાં કોંગ્રેસ સત્તાસ્થાને છે.
જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, આણંદ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, ધી બોરસદ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી.ની વ્યવસ્થાપક કમિટીની મુદ્દત ચૂંટણીની તારીખથી પ વર્ષ સુધીની છે. સંધની વ્ય. કમિટીની ચૂંટણી ગત ર૧ ડિસે.ર૦૧૯ના રોજ પૂણ/ થઇ હતી. જેથી આ કમિટીની મુદ્દત ર૦ ડિસે.ર૦ર૪ના રોજ પૂરી થયેલ છે. કમિટીની ચૂંટણી સમયસર યોજાય તે અર્થ સંઘના મેનેજર દ્વારા ચૂંટણીની દરખાસ્ત હાલની કમિટીની મુદ્દત પૂરી થાય તેના ઓછામાં ઓછા ૬૦ દિવસ અગાઉ નિયત નમૂનામાં જિલ્લા રજીસ્ટ્રાર કચેરી મારફત જિલ્લા કલેકટરને મોકલી આપવી જરુરી છે.
પરંતુ સંઘ દ્વારા નિયત સમયમર્યાદામાં ચૂંટણીની દરખાસ્ત રજૂ થયેલ ન હોવા તા. ર૯ નવે.ર૦ર૪ના રોજ રજીસ્ટ્રાર કચેરી દ્વારા લેખિતમાં સંઘને ચૂંટણીની દરખાસ્ત રજૂ કરવા જણાવાયું હતું. પરંતુ તા. ર૯ નવે.ર૦ર૪ના રોજ સંઘે અધૂરી વિગતે દરખાસ્ત કરતા તા. ૯ ડિસે.ર૦ર૪ના રોજ પત્રથી સંઘને પૂર્તતા કરવા જણાવ્યું હતું. જેમાં સંઘ દ્વારા ૧૩ ડિસે.ર૦ર૪ના પત્રથી આંશિક પુર્તતા કરીને મોકલેલ. ત્યારબાદ ૧૭ ડિસે.ર૦ર૪ના પત્રથી સંઘં ફરી પુર્તતા કરીને પત્ર મોકલ્યો હતો. સંઘ દ્વારા વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી અર્થ સંઘની સભાસદ મંડળીઓ પાસેથી ચૂંટણીની મતદાર યાદી તૈયાર કરવા માટે સભાસદ મંડળીઓના પ્રતિનિધિઓના ઠરાવો તેમજ ઓળખકાર્ડ મંગાવવામાં આવેલ હતા. જેમાં સુરકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી, સંતોકપુરા સેવા સહકારી મંડળી અને કાવિઠા સેવા સહકારી મંડળી દ્વારા ચૂંટણી અર્થ ઠરાવ રજૂ કરવાની જાણ થયેલ ન હોવાની રજીસ્ટ્રાર કચેરીને રજૂઆત કરવામાં આવીહ તી. આ ઉપરાંત સંઘની સભાસદ મંડળીઓ પૈકી ભાદરણ સેવા સહકારી મંડળી, ઝારોલા સેવા સહકારી મંડળી, ભાદરણ ગ્રાહક સહકારી મંડળી, અલારસા સેવા સહકારી મંડળી, સીસ્વા સેવા સહકારી મંડળી, ઉમલાવ સેવા સહકારી મંડળી અને રાસ સેવા સહકારી મંડળી દ્વારા સંઘની વ્ય.કમિટીની મુદ્દત પૂર્ણ થયેલ હોઇ, સંઘ દ્વારા ચૂંટણીની પૂર્વગામી કામગીરીમાં અનિયમિતતા તેમજ પારદર્શિતાનો અભાવ જણાતો હોય, સંઘમાં કસ્ટોડિયનની નિમણૂંક કરવા રજીસ્ટ્રાર કચેરીને રજૂઆત કરી હતી. આ મામલે આજરોજ એ.આર.સુવા (જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ-આણંદ) દ્વારા હુકમ કરાયો હતો કે, સહકારી કાયદાની કલમ ૭૪(ડી)ની જોગવાઇઓ તેમજ આમુખ-૦પથી વંચાણે લીધેલ જાહેરનામાથી મળેલ સત્તાની રુએ ધી બોરસદ તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘ લી., બોરસદમાં કસ્ટોડિયન તરીકે આર.એન.પંડયા (કાર્યાલય અધિક્ષક, લગત જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ,આણંદ)ની હુકમની તારીખથી એક વર્ષ અથવા નવી વ્ય.કમિટીની ચૂંટણી પૂર્ણ થયે, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી નિમણૂંક કરવામાં આવે છે.