બોરસદ : વેપાર કરતી મહિલાને ચેક બાઉન્સના ગુનાહે એક વર્ષની સજા
બોરસદ ખાતે રહેતા અને દોરડા બનાવવાનો વેપાર કરતા પરિવારની મહિલાને કોર્ટે ૧.૪૦ લાખના ચેક રીર્ટન કેસમાં તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હરિશભાઈ લલ્લુભાઈ હરિજનની પત્ની નયનાબેન ગોકુલનગર સોસાયટીમા અનાજ-કરિયાણાની દુકાન ચલાવે છે. ગોકુલનગર સોસાયટીમાં રહેતા ગીતાબેન સંદેશભાઈ કુચબંદીયાના પતિ દોરડા બનાવવાનો ધંધો કરે છે. જેથી ગીતાબેનને અવાર-નવાર દુકાને માલસામાન લેવા માટે જતા હોય તેમને ઘર જેવા સંબંધો બંધાયા હતા. અચાનક જ્યારે જરૂર પડે ત્યારે ગીતાબેન નયનાબેન પાસેથી પૈસા ઉછીના લઈ જતા હતા. સને ૨૦૨૧થી દેશમાં કોરોનાની પરિસ્થિતિ હોય, ગીતાબેનના પતિનો ધંધો પડી ભાંગતા હરિશભાઈ પાસેથી ધીરેધીરે ૧.૪૦ લાખ રૂપિયા ઉછઈના લઈ ગયા હતા અને માર્ચ-૨૦૨૨માં ચુકવી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ માર્ચ-૨૦૨૨માં પણ ના ચુકવી આપતા ઉઘરાણી કરતા બીજા ત્રણેક મહિનાની મુદ્દત માંગી હતી.જેથી ડીસેમ્બરમાં પૈસાની માંગણી કરતા તેણીએ ૧૫-૩-૨૩ના રોજનો ૧.૪૦ લાખનો ચેક લખી આપ્યો હતો.જે નિયત તારીખે ખાતામાં ભરતા તે અપુરતા બેલેન્સના કારણે પરત ફર્યો હતો. જેથી કાનુની પ્રક્રિયા હાથ ઘર્યા બાદ બોરસદની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ દાખલ કર્યો હતો.
જેની સુનાવણી બોરસદના એડીશ્નલ ચીફ જ્યુડીશ્ટલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં યોજાઈ જતાં ફરિયાદ પક્ષ તરફે ઉપસ્થિત વકિલની દલિલો તેમજ રજુ કરેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં લઈને જજે ગીતાબેનને તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા સંભળાવી હતી. સાથે સાથે ચેકની બમણી રકમ એટલે કે ૨.૮૦ લાખ રૂપિયા ફરિયાદીને વળતર પેટે દિન ૬૦માં ચુકવી આપવાનો પણ હુકમ કર્યો હતો. જો ના ચુકવે તો વધુ બે માસની સાદી કેદની સજા તેમજ વળતરની રકમ આરોપી પાસેથી રેવન્યુ રાહે વસુલ કરવાનો પણ હુકમ કર્યો હતો.