આણંદ: બોરસદનો આરસીસી રોડ ૮ મહિનામાં તૂટી ગયો, લોકો ઠગાઈનો શિકાર
આણંદ : બોરસદમાં આણંદ ચોકડીથી એપીએમસી સુધીનો આરસીસી રોડ માત્ર ૮ મહિનામાં તૂટવા લાગ્યો છે. બાકરોલની આસ્થા કન્સ્ટ્રક્શન કંપનીનું રૂા. ૧.૯૨ લાખનું ટેન્ડર મંજૂર થયું હતું. જેમાં ૭૧ લાખના ખર્ચે આરસીસી રોડ બનાવવાનો હતો. રોડની બંને બાજુ બ્લોક- પેવરિંગ પણ કરાયા ન હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
બોરસદ પાલિકા વિસ્તારમાં આણંદ ચોકડીથી તારાપુર બાજુ જવાના હાઇવે સુધીના આરસીસીના કામમાં હજુ ૮ મહિના પણ થયા નથી ત્યારે આરસીસી રોડ કેટલીક જગ્યાએ ધારોમાંથી તૂટવા લાગ્યો છે. કપચી અને સિમેન્ટ પણ છૂટો પડી રહ્યો છે. ઉપરાંત રોડ ઉપર કપચી ઊખડી જતાં મોટા ખાડાઓ, તિરાડો પણ પડવા લાગી છે. ઉનાળા દરમિયાન વાહનવ્યવહારથી વ્યસ્ત રોડ વધુ તૂટવાની સંભાવનાઓ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. રોડના રિ-સરફેસિંગનું કામ પણ રૂા. ૫૫ લાખના ખર્ચે આપવામાં આવ્યું છે.
બોરસદ શહેરમાં આવેલા આણંદ ચોકડીથી હાઇવે બાયપાસ સુધીના રસ્તા માટે ૧૨ મહિના અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. બોરસદ પાલિકાના ચીફ ઓફિસ વિરાજ શાહે જણાવ્યું હતું કે, રોડનું રૂા. ૧.૯૨ કરોડનું ટેન્ડર બાકરોલની આસ્થા કન્ટ્રક્શન નામની કંપનીનું મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં આરસીસીનું રૂપિયા ૭૧ લાખ તેમજ રોડ રિસરફેસિંગના રૂા. ૫૫ લાખ અને ડ્રેનેજ વોટર લાઈનના ૬૫.૨૭ લાખ મંજૂર કરવામાં આવ્યા હતા.
નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને વિવિધ વાઉચર દ્વારા રૂપિયા ૧.૧૨ કરોડની ચુકવણી પણ કરવામાં આવી હતી. જ્યારે કોન્ટ્રાક્ટરના ટેન્ડરમાંથી અમુક રકમ સમારકામ માટે રખાય છે. જે રોડ તૂટે ત્યારે રિપેરિંગમાં વપરાતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
બોરસદના વ્યક્તિએ આરટીઆઈ હેઠળ માહિતી માંગતા રોડને બંને બાજુએ બ્લોક- પેવરિંગનું કામ પણ સામેલ હોય તેવું પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે રોડનું કામ પૂર્ણ થવા છતાં હજૂ બંને બાજું બ્લોકનું કામ કરાયું નથી.
રોડના ખાતમુહૂર્ત કર્યા પછી રોડની ગુણવત્તા, મજબૂતાઈ સંદર્ભે ચકાસણી થતી ન હોવાથી, ટેન્ડરની રકમ કોન્ટ્રાક્ટરને જલદી ચૂકવાઈ જતી હોવાથી આવા આરસીસી રોડ તૂટી જાય તો જવાબદારી કોની તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે.
બોરસદ પાલિકાના એન્જિનિયર તબજુલ પઠાણે જણાવ્યું હતું કે, ગત ૨૦ ડિસેમ્બર-૨૦૨૩ના રોજ ઠરાવ થયો હતો તેમાં બ્લોક પેવરિંગનું કામ સામેલ હતું પરંતુ, નવા એસ્ટીમેશનમાં ગ્રાન્ટ મર્યાદાને કારણે બ્લોક પેવરિંગનું કામ ટેન્ડરમાં લેવામાં આવ્યું નહોતું. આ કામ પેટે સરકારમાંથી કુલ ૧.૪૪ કરોડની ગ્રાન્ટ પણ આવી ગયેલી છે. જેમાંથી કોન્ટ્રાક્ટરને ૧.૧૨ કરોડ ચૂકવી આપેલા છે અને હજુ રૂપિયા ૩૨ લાખ પાલિકામાં જમા છે તેમ જ ગ્રાન્ટની બાકીની રકમ રૂપિયા ૪૭ લાખ હજુ સરકારમાંથી આવી નથી.