આણંદ: દસ્તાવેજોની નોંધણી અટકાવતી સબ રજીસ્ટ્રાર પર કલેક્ટરની તપાસ
આણંદની રજીસ્ટ્રાર કચેરીમા ફરજ બજાવતા ગાંધીનગરથી આવતા સબ રજીસ્ટ્રાર દક્ષેશભાઈ ત્રિવેદી દ્વારા સરકારના પરિપત્રના અમલવારી દબાવી રાખીને દસ્તાવેજો અટકાવી રાખવામાં આવી રહ્યા છે. જ્યારે અરજદારો દ્વારા પરિપત્રની અમલવારી બાબતે પુછતાછ કરવામાં આવે તો કલેક્ટરની સુચના લેવાની બાકી હોયનું બહાનું કાઢવામાં આવી રહ્યું છે. પરંતુ હકિકતમાં તો કલેક્ટરને આ બાબતે ખ્યાલ પણ હોતો નહીં હોવાનું જાણવા મળ્યું છે.
સરકારના મહેસુલ વિભાગ દ્વારા તારીખ ૧૩-૦૩-૨૫ના રોજ પરિપત્ર દ્વારા વણ વહેંચાયેલ મિલ્કતના દસ્તાવેજની નોંધણી કરવા બાબતેનો કરવામાં આવ્યો હતો. જેમાં રહેણાંક (ઘર)સિવાયની સ્થાવર મિલ્કતમાંથી કોઈ સહ હિસ્સેદાર પોતાનો હિસ્સો વેચવા માંગે તો મિલ્કતની ચતુર્થ દિશા, પોતાના ભાગે આવતા વણ વહેંચાયેલા હિસ્સાનું સ્પષ્ટીકરણકરીને પોતાનો હિસ્સો વેચી શકે.
સરકારના પરિપત્રને ૨૪ દિવસ થવા છતાં આણંદ સબ રજીસ્ટ્રાર દ્વારા આ પ્રકારના દસ્તાવેજોની નોંધણી ના કરીને કલેક્ટર સાથે સ્પષ્ટીકરણ બાબતે ચર્ચા કરીને નોંધણી કરવામાં આવશે તેવા ઉડાઉ જવાબો આપવામાં આવતા હતા.જ્યારે બોરસદમાં બે, અને ઉમરેઠમાં એક દસ્તાવેજની નોંધણી જે તે કચેરીના સબ રજીસ્ટ્રાર દ્વારા કરવામાં આવી હતી. તો આણંદ સબરજીસ્ટ્રાર દ્વારા કેમ નોંધણી કરવામાં આવતી નથી તે મહત્વની બાબત બની રહી છે.
ગઈકાલે સબ રજીસ્ટ્રારનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે, આણંદ જિલ્લામાં પરિપત્રની અમલવારી બાબતે જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરીને સ્પષ્ટીકરણ કર્યા બાદ નોંધણી ચાલુ કરીશું. જ્યારે આ બાબતે જીલ્લા કલેક્ટરને પુછતાં તેમણે સમગ્ર બાબતને ગંભીરતાથી લઈને તપાસ કરતા સબ રજીસ્ટ્રારે કલેક્ટરને બોરસદમાં બે અને ઉમરેઠમાં એક વણ વહેંચાયેલ મિલ્કતનો દસ્તાવેજ નોંધાયેલાનો પુરાવો રજુ કરીને સરકારના પરિપત્ર મુજબ નોંધણી કરીએ છીએનો લુલો બચાવ કર્યો હતો. પરંતુ આણંદ સબ રજીસ્ટ્રાર દ્વારા આણંદ ઓફિસમાં દસ્તાવેજો ન નોંધવા પાછળનું કારણ શું ? ઉપરાંત અખબારને પણ ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવાનો આશય શું હોઈ શકે?
આણંદ સબ રજીસ્ટ્રાર દ્વારા ઘણા કિસ્સાઓમાં મોટા નાણાં પડાવવાના હેતુસર દસ્તાવેજોની નોંધણી કરતા નથી અને આખરે રગરગાઈને મોટી ખાયકી નક્કી કરીને ત્યારબાદ તેવા દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે જે કોઈ દસ્તાવેજોની નોંધણી થતી હોય તે તૈયાર કરનાર વકિલ અથવા આ બાબતના જાણકાર હોય છે. અને દસ્તાવેજ કરનાર આવા વ્યક્તિઓ દ્વારા દસ્તાવેજો નોંધતા હોય છે. ટોકન લીઘા બાદ જે તે દિવસે પ્રથમ દસ્તાવેજ આણંદ સબ રજીસ્ટ્રારને બતાવવાનો હોય છે. અને સબ રજીસ્ટ્રારની સુચના મળ્યા બાદ જ તે દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા આગળ ધપે છે.
પરંતુ ઘણા કિસ્સાઓમાં મોટી રકમ પડાવવાના હેતુ સર આણંદ સબરજીસ્ટ્રાર દ્વારા કોઈને કોઈ બહાના હેઠળ આ દસ્તાવેજની નોંધણી ના થઈ શકે, અથવા મોટી રકમની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે તેમ જણાવીને વિવષતાવાળી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.આ સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવી હોય તો, વ્યવહારની મોટી રકમ માંગવામાં આવે છે. જેથી કલેક્ટર દ્વારા જે દસ્તાવેજોની નોંધણી જે કારણથી ના થઈ શકે તે સબ રજીસ્ટ્રાર દ્વારા જે તે દસ્તાવેજ નોંધનારને કારણો સાથે લેખિતમાં આપવામાં આવે તો જ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ચાલતી ખાયકીની સીસ્ટમ અટકાવી શકાય તેમ છે.