ગટરના ગંદા પાણીથી પરેશાન: આણંદની જનરલ હોસ્પિટલમાં 75 લાખના ભાડા છતાં દર્દીઓ અને સ્ટાફની મુશ્કેલી
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આણંદમાં સિવિલ હોસ્પિટલ નહીં હોવાથી જનરલ હોસ્પિટલના પેટે મનપાને રૂ 75 લાખનું ભાડું ચુકવવામાં આવે છે. ત્યારે મનપા હસ્તક મકાનમાં ભાડુ ચુકવણી છતાં 2 દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાતાં હજારો દર્દીઓને અને સ્ટાફ ગણ તોબા પોકારી ઉઠયું છે.
જો કે મનપાના સત્તાધિશોને ગટર સફાઇ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ફરિયાદ કરાઈ હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જનરલ હોસ્પિટલ પાસે પોતાનું સ્વતંત્ર બિલ્ડીંગ નહીં હોવાથી આરોગ્ય વિભાગ મનપાને કરાર મુજબ રૂ 75 લાખનું ભાડું ચુકવવામાં આવે છે. ત્યારે કરાર આધારીત મનપા દ્વારા આધુનિક મકાન સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરવાની હોય છે. પરંતુ મનપા દ્વારા ગટર લાઇન સાફસફાઇ મરામતની કામગીરી અને નવીનીકરણની કામગીરી હાથધરવામાં આવતી નથી. જેના કારણે બે દિવસ ગટરના ગંદા પાણીની સિવિલ હોસ્પિટલમાં રેલમછેલ થઇ જાય છે.
બીજી તરફ ઉનાળાની કાળઝાળ ગરમીના પગલે દિન પ્રતિદિન 500થી વધુ ઓપીડી કેસ નોંધાઇ રહ્યાં છે. દર્દીઓ કેસ બારી પાસે ઉભા રહેતા હોવાથી ગટરના ગંદા પાણી ઉભરાતાં હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે. આણંદ મનપા કમિશ્નર દ્વારા સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી દર્દીઓ સહિત સ્ટાફ ગણ દ્વારા માગ ઉચ્ચારી છે. આ અંગે આણંદ જનરલ હોસ્પિટલના સીડીએમઓ અમર પંડયાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા મનપાને રૂ 75 લાખ ભાડુ ચુકવવામાં આવે છે. બે દિવસથી જનરલ હોસ્પિટલમાં ગટરના ગંદા પાણી ઉભરાઇ રહ્યાં છે. ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય આવતાં બીજી વખત ફરિયાદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું