આણંદમાં 42.2 ડિગ્રી તાપમાન, હિટવેવની ચેતવણી: પારોએ તોડ્યો સિઝનનો રેકોર્ડ!
આણંદ શહેરમાં હીટવેવના પગલે ફૂંકાયેલા ગરમ પવનોથી શહેરીજનોને કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો ૪ર.ર ડિગ્રી નોંધાયો હતો. જો કે આગામી બે દિવસ હીટવેવની અસર રહેશે અને ત્યારબાદ ગરમીથી રાહત મળવાની સંભાવના છે.
છેલ્લા ત્રણ દિવસથી રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત સૂકા પ્રદેશમાંથી ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાતા આણંદ શહેર-જિલ્લામાં ગરમીનો પારો સતત ૪૦ ડિગ્રી કરતાં વધુ નોંધાય છે. જયારે આજે ૯ એપ્રિલ, બુધવારે સિઝનમાં પ્રથમવાર પારો ૪ર.ર ડિગ્રી અને ન્યુનત્તમ ર૬ ડિગ્રી નોંધાયો હતો. જયારે ભેજનું પ્રમાણ ૪૯ ટકા હોવાથી વાતાવરણ સુકું રહેવાના કારણે બપોરના સમયે કામ અર્થ બહાર નીકળેલા લોકોને ચામડીમાં બળતરા થતી હોવાની ફરિયાદ સાંભળવા મળી હતી.
આકરી ગરમીના કારણે વિદ્યાર્થીઓ, નોકરીયાતો સહિત વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડયો હતો. હીટવેવના કારણે રાત્રીના સમયે પણ શહેરીજનો પરેશાન થયા હતા. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇને મહત્તમ તાપમાનમાં રથી ૪ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. ઉલ્લેખનીય છે કે ચૈત્ર માસમાં જ વૈશાખી ગરમીએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. મહત્તમ તાપમાનમાં વધારાની સાથે ગરમ પવનની ગતિ પ્ર.ક. ૪.૭ કિ.મી. નોંધાઇ છે. આકરી ગરમીના કારણે બપોરના સમયે શહેરના માર્ગો અને ગ્રામીણ વિસ્તારોની ગલીમાં માંડ અવરજવર જોવા મળે છે. લોકો ગરમીની બચવા નવા નવા ઉપાયો શોધી રહ્યા છે. ખાસ કરીને બપોરના સમયે જરુરી કામ સિવાય લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
આણંદ શહેર-પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો ૪૦ પ્લસ રહેવા સાથે આજે સીઝનમાં પહેલીવાર સૌથી વધુ તાપમાન નોંધાયું છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સિઝનલ બિમારીઓના દર્દીઓની સંંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને માથાનો દુ:ખાવો, આંખો-ત્વચા બળવાની સમસ્યા સહિત નાના બાળકોને ડાયેરીયા, તાવના કેસ જોવા મળી રહ્યા છે. આણંદની જનરલ (સિવિલ) હોસ્પિટલમાં દૈનિક ઓપીડીમાં ૬૦૦થી વધુ કેસ નોંધાયા છે.