આણંદના ખેડૂતોનો નવીન વળાંક: પરંપરાગત ખેતી છોડીને બાગાયત તરફ ઝોક
આણંદ જિલ્લાના ખેડૂતો પરંપરાગત ધાન્ય પાકોની ખેતીના બદલે હવે બાગાયતી પાકો તરફ વળ્યા છે. નવીન ખેતી પાકો કરીને આર્થિક ઉપાર્જન વધુ મેળવવા ખેડૂતો સતત પ્રયાસ કરી રહ્યા છે. જો કે ખેડૂતોના આ પ્રયાસ સામે સરકારની બાગાયત વિભાગની વિવિધ યોજનાઓનો ખેડૂતોને લાભ ઓછો મળતો હોવાની પણ ખેડૂત આલમમાં ગણગણાટ થઈ રહ્યો છે.
ઉત્પાદન વધારવું, સંકલિત રોગ, જીવાત નિયંત્રણ વ્યવસ્થા, ખાતર વ્યવસ્થા, યાંત્રિકીકરણ, કોલ્ડ ચેઈન મેનેજમેન્ટ, પાક મૂલ્ય વર્ધન, કાપણી પછીની માવજત, ફળ શાકભાજી નિકાસ, નર્સરી અને પ્રોસેસિંગ એકમોની સ્વ-રોજગારી સ્થાપના દ્વારા ઊભી કરી બગાયતદારોની આવકમાં વૃદ્ઘિ કરવા માટે બાગાયત વિભાગ દ્વારા વિવિધ સહાય લક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ વિભાગ દ્વારા ફળ શાકભાજી પાકો, પ્લાન્ટેશન પાકો, મસાલા પાકો, ફૂલ ઔષધિય અને સુગંધિત પાકો અને મધ ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે હેતુથી કેનિગ અને કિચન ગાર્ડન સેન્ટરમાં તાલીમ પણ આપવામાં આવે છે. સરકારની આ યોજનાની માહિતીથી ઘણા ખેડૂતો અજાણ હોય છે. આવા ખેડૂતો માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે માટે વહીવટી તંત્ર દ્વારા ખેડૂત આઈ પોર્ટલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાય અને ખેડૂતોને બાગાયતી ખેતી પ્રોત્સાહન મળે તે હેતુથી સરકાર દ્વારા વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે પણ ખેડૂતો આગળ આવી રહ્યા છે. પરંતુ તમામ ખેડૂતોને યોજનાનો લાભ નહીં મળતો હોવાનું ખેડૂતોનો ગણગણાટ જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લા બાગાયત વિભાગમાં ગત વર્ષમાં આ – યોજનાનો લાભ મેળવવા માટે ૧૩૨૮૫ ખેડૂતોએ અરજી કરી હતી. જેમાં ૧૧૩૭૦ અરજી મંજૂર કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૩માં ૬૪૫૧ ખેડૂતોએ અરજી કરી હતી. જેમાં ૫૧૪૦ અરજી મંજૂર કરવામાંઆવી હતી. જ્યારે વર્ષ ૨૦૨૪માં ૬૮૩૪ માંથી ૬૨૩૦ અરજી મંજૂર થઇ છે. બે વર્ષમાં મળીને ૧૯૧૧ રજી ના મંજૂર થઈ છે.
આણંદ બાગાયત વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે બાગાયત વિભાગની વિવિધ યોજનાઓની સહાય અરજીઓ વર્ષ દરમિયાન મળતી હોય છે. તેમાંથી યોજનાની શરતો પૂર્ણ કરતી હોય તેવી અરજીઓ મંજૂર કરવામાં આવે છે અને શરતો પૂર્ણ ન કરતી હોય તેવી અરજીઓ ના મંજૂર કરવામાં આવે છે.