વિદ્યાનગરના એસબીઆઈ એટીએમમાં પટ્ટી લગાવી : 51,600ની ચોરી, પોલીસ તપાસ શરૂ
આણંદ નજીક આવેલા વિદ્યાનગરના નાના બજાર ખાતે આવેલા એસબીઆઈના એટીએમ સેન્ટરમાંથી ગઠિયાઓ દ્વારા એટીએમ મશીનમાં પટ્ટી લગાવીને એક નવી જ તરકીબ દ્વારા ગ્રાહકોના કુલ ૫૧૬૦૦ રૂપિયા ચોરી કરી લેતાં આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૬ઠ્ઠી તારીખના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના વિદ્યાનગર નાના બજારમાં રઘુવીર ચેમ્બર ખાતે આવેલા એટીએમ મશીનમાંથી ગ્રાહકોની રકમ ડેબીટ થવા છતાં પણ તેમને રોકડ રકમ પ્રાપ્ત થતી નહોતી. જેથી ગ્રાહકોએ આણંદ સ્થિત મેઈન બ્રાન્ચમાં ફરિયાદ કરતા ચીફ મેનેજર રાહુલ સત્યપ્રકાશ શુકલાએ એટીએમ મશીનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા તેમને જાણવા મળ્યું હતુ કે, કોઈ ગઠિયાઓ દ્વારા બપોરના ત્રણેક વાગ્યા પહેલા એટીએમ મશીનમાં પૈસા નીકળવાની જગ્યાએ પટ્ટી રાખીને અવરોધ કરી દીધો હતો. જેથી ગ્રાહકોના ઉપાડેલા રૂપિયા મશીનના શટરમાંથી બહાર નીકળતા નહોતા. ગ્રાહક એટીએમ સેન્ટરમાંથી બહારનીકળી જાય એટલે ગઠિયાઓ અંદર ઘુસી જતા હતા અને પટ્ટી હટાવીને રૂપિયા લઈને ફરાર થઈ જતા હતા.
ચીફ મેનેજરે તપાસ કરતા જુદા-જુદા ગ્રાહકોના કુલ ૫૧૬૦૦ રૂપિયા છળકપટથી ચોરી કરી લેવામાં આવ્યા હતા. સાથે સાથે એટીએમ મશીનને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું હતુ.જેથી તેમણે વિદ્યાનગર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજની મદદથી ગઠિયાઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે.