એસબીઆઈના એટીએમ મશીનમાં પટ્ટી લગાવીને ગ્રાહકોના ઉપાડેલા નાણાં સીફતપુર્વક ચોરી કરી લેનાર યુપીની ગેંગના બે શખ્સોને ઝડપી પાડી
વિદ્યાનગર પોલીસે છેલ્લા કેટલાક સમયથી નાના બજાર સ્થિત એસબીઆઈના એટીેએમ મશીનમાં પટ્ટી લગાવીને ગ્રાહકોના ઉપાડેલા નાણાં સીફતપુર્વક ચોરી કરી લેનાર યુપીની ગેંગના બે શખ્સોને ઝડપી પાડીને તેમની પાસેથી કુલ ૫.૨૯ લાખ ઉપરાતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવી હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન ફરાર થઈ ગયેલી યુવતી સહિત બેને ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરાનાર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ચારેક મહિનાથી વિદ્યાનગરના નાના બજાર રઘુવીર ચેમ્બર્સ ખાતે આવેલા એસબીઆઈ બેંકના એટીએમ સેન્ટરમાં ગ્રાહકો પૈસા ઉપાડવા માટે જાય ત્યારે તેમના ખાતામાંથી પૈસા ડેબીટ થઈ જતા હતા પરંતુ એટીએમ મશીનમાંથી પૈસા નીકળતા નહોતા. આવી ફરિયાદો આવતાં જ બેંકના પીફ મેનેજર રાહુલ શુક્લા દ્વારા એટીએમ સેન્ટરના સીસીટીવી ફુટેજ લઈને તપાસતા કેટલાક શખ્સો એટીએમ મશીનમાં જઈને પૈસા નીકળવાની જગ્યા ઉપર પટ્ટી લગાવતા તેમજ ગ્રાહકો નીકળી ગયા બાદ પટ્ટી હટાવીને પૈસા લઈ ત્યાંથી બહાર પાર્ક કરેલી એક કારમાં સવાર થઈને ફરાર થઈ જતાં હતા. આ અંગે તેમણે વિદ્યાનગર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી. જેમાં કુલ ૫૧૬૦૦ રૂપિયા છળકપટથી ચોરી લેવામાં આવ્યા હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા ઉક્ત કાર નંબર જીજે-૧૯, બીઆર-૧૩૯૯ની શાસ્ત્રી મેદાન પાસે આવેલા બસસ્ટેન્ડ અને તેની આસપાસ ફરતી હોવાની માહિતી મળી હતી.
જેથી પોલીસની ટીમ ત્યાં પહોચી ગઈ હતી અને કારને ઝડપી પાડતા ચાલક સહિત બે શખ્સો મળી આવ્યા હતા. તેમના નામઠામ પુછતાં તેઓ મંગલા શીરોમણી યાદવ (રે. મુળ યુપી, હાલ સુરત, સાંઈધામ સોસાયટી, ગોડાદરા રેલ્વે ફાટક નજીક)તેમજ ક્રિષ્ના દેવીપ્રસાદ ઉપાધ્યાય (રે. મુળ યુપી, હાલ ડીંડોલી, સુરત)ના હોવાનું જણાવ્યું હતુ. પોલીસે તેઓની અંગજડતી કરતા એટીએમ મશીનમાં લગાવવાની પટ્ટી, રોકડા ૮૭૦૦ તેમજ બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેથી તેમની પુછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી તેમને પોલીસ મથકે લાવીને આકરી પુછપરછ કરતા તેઓએ કબુલાત કરી હતી કે, તેઓ નાના બજાર સ્થિત એસબીઆઈના એટીએમ સેન્ટરમાં છળકપટથી પૈસા ચોરવા માટે આવ્યા હોવાની કબુલાત કરી હતી. અગાઉ તેઓએ પોતાના સાગરિતો પ્રવિણકુમાર ઉર્ફે રાહુલ બરનદીન સીંગ (રે. મુળ યુપી હાલ, સુરત)તેમજ તેની સાથે આવતી પાયલ નામની યુવતી સાથે મળીને કેટલાક ગ્રાહકોના પૈસા એટીએમ મશીનમાં પટ્ટી લગાવીને ચોરી કરી લીઘાની કબુલાત કરી હતી. જેથી પોલીસે કુલ ૫.૨૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રવિણકુમાર ઉર્ફે રાહુલ અને પાયલને પણ ઝડપી પાડવાની તજવીજ હાથ ઘરી છે.
વિદ્યાનગર પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા મંગલા યાદવ અને ક્રિશ્ના ઉપાધ્યાય તેમજ ફરાર પ્રવિણકુમાર ઉર્ફે રાહુલનો ગુનાહિત ઈતિહાસ હોવાનું તપાસ દરમ્યાન ઉજાગર થવા પામ્યું છે. ત્રણેય વિરૂદ્ઘ સને ૨૦૧૯ અને ૨૦૨૨માં જામખંભાળીયા, ડીંડોલી, કડોદરા પોલીસ મથકે આર્મ્સ એક્ટ અને એટીએમ મશીનમાં પટ્ટી લગાવીને ગ્રાહકોના પૈસા સીફતપુર્વક ચોરી કરી લેવાના ગુનાઓ નોંધાયા હતા. તેમાં તેમની ધરપકડ પણ થઈ હતી. પરંતુ જેલમાંથી બહાર આવ્યા બાદ ફરીથી તેઓ દ્વારા એસબીઆઈના એટીએમ મશીનને નિશાન બનાવીને ચોરીઓ કરતા હતા.
એસબીઆઈ બેંક દ્વારા વિદ્યાનગરના નાના બજાર ખાતે આવેલા એટીએમ સેન્ટરમાં લગાવવામાં આવેલા કન્ફીગ્રેશનના મશીનમાં પૈસા નીકળવાની જગ્યાએ પટ્ટી લગાવીને નીકળતા અટકાવી શકાય તેમ હતા. જેથી પકડાયેલા બે તેમજ વોન્ટેડ બે એમ કુલ ચાર શખ્સો કાર લઈને વિદ્યાનગર આવતા હતા અને આ એટીએમ સેન્ટરમાં જઈને પૈસા નીકળવાની જગ્યાએ પટ્ટી લગાવી દેતા હતા. કોઈ ગ્રાહક આવે અને એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડે એટલે તેના એકાઉન્ટમાંથી પૈસા ડેબીટ થઈ જતા હતા પરંતુ પટ્ટી લગાવેલી હોય એટલે બહાર નીકળતા નહોતા. જેથી ગ્રાહક ત્યાંથી જેવો નીકળે એ સાથે આ શખ્સે એટીએમ મશીનમાં જતા હતા અને પટ્ટી હટાવે એ સાથે જ પૈસા નીકળે એ લઈને ત્યાંથી રફુચકકર થઈ જતા હતા.