પેટલાદ ગંજ બજારના વેપારીઓની માંગ : બ્રિજ પાછળ સર્વિસ રોડ બનાવવામાં આવે
પેટલાદ શહેરના મધ્યમાં આવેલ ગંજ બજાર પાછળ બની રહેલ બ્રિજનો સર્વિસ રોડ બનાવવાની સ્થાનિક વેપારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માંગ કરી છે.
પેટલાદ ગંજ બજાર પાછળથી જી.આઈ.ડી.સી. પેટલાદ સુધી બ્રિજ બનાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. પરંતુ ગંજ બજાર પાછળ અને બ્રિજની આજુબાજુ રહેણાંક વિસ્તાર તેમજ નાની મોટી દુકાનો આવેલ છે. તેમજ રેસીડેન્ટ કોમ્પલેક્ષ પણ બ્રિજની પાસે આવેલ છે. અને હયાત રસ્તા ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો હોઈ રસ્તો ખુબ જ સાંકડો થઈ ગયો છે.
બ્રિજ બનાવતી વખતે બંને બાજુ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી કે બ્રિજની નીચે પણ કોઈ પણ કામગીરી કરી રોડ બનાવવામાં આવ્યો નથી. જેથી આ વિસ્તારના રહીશો તેમજ વેપારીઓને આવવા જવામાં ખુબ જ મુશ્કેલી પડે છે. ગંજ બનારના પાછળના દરવાજે બ્રિજનો મોટો પિલ્લર આવી ગયો હોઈ ગંજ બનારથી મોટા વાહનો બહાર નીકળી શકતા નથી કે પ્રવેશી શકતા નથી. આ બ્રિજની બાજુમાં શો મીલ રહેણાંક વિસ્તાર તથા દુકાનો આવેલ છે. આ સ્થળે આગ લાગવાની ઘટના બને તો ફાયર બ્રિગેડના સાધનો (પાણીના બંબા) આવી શકે તેમ નથી. તો આ સ્થળે સર્વિસ રોડ બનાવવા માટે આજુબાજુની જમીન સંપાદન કરી બજાર ભાવ મુજબ વળતર ચુકવી સર્વિસ રોડ બનાવવાની આગળની કાર્યવાહી સત્વરે હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ થવા પામી છે.