પેટલાદમાં ૧૦ વર્ષ બની રહેલ ૩૧ કરોડના ઓવર બ્રિજનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
પેટલાદ શહેરમાંથી પસાર થતી આણંદ-ખંભાત રેલવે લાઇન પર છેલ્લા દસ વર્ષથી રેલવે ફાટક પર ચાલતી ઓવરબ્રિજની કામગીરી અંતે પૂર્ણ થતા સ્થાનિકો સહિત આ માર્ગથી પસાર થનાર વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે. અંદાજે ૩૧ કરોડના ખર્ચ તૈયાર થયેલ આ બ્રિજનું આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. જો કે વર્ષો બાદ બ્રિજ પૂરો થયો હોવાથી લોકાર્પણ અગાઉ જ આજે સાંજથી અનેક નગરવાસીઓએ બ્રિજ પર લટાર મારી હતી. ઉલ્લેખનીય છે કે, આ બ્રિજની શરુઆતના સમયમાં ધમધોકાર કામગીરી ચાલ્યા બાદ અવારનવાર યેનકેન કારણોસર કામ સ્થગિત થયું હતું. બીજી તરફ બ્રિજની કામગીરીના કારણે અપાયેલ ડાયવર્ઝન સાંકડો અને ભીડભાડભર્યો હોવાથી વાહનચાલકોને જોખમી રીતે પસાર થવાની ફરજ પડતી હતી. તેમાંયે ચોમાસામાં વરસાદી પાણી ભરાયેલા ખાડામાંથી પસાર થવું નાના વાહનચાલકો, રાહદારીઓ માટે વિકટ સમસ્યા બની હતી. આ અંગે શહેરના જાગૃતજનો દ્વારા વારંવાર રજૂઆત અને આવેદનપત્ર આપીને બ્રિજની કામગીરી સતત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
જો કે આવતીકાલે બ્રિજનું લોકાર્પણ થયા બાદ નડિયાદથી ખંભાત તરફ અને પેટલાદ,ધર્મજ તરફ જતા દૈનિક ૧૦ હજારથી વધુ નાના,મોટા વાહન ચાલકોને ડાયવર્ઝનમાંથી મુકિત મળતા આશરે ૩ કિ.મી.ના વધારાનો ફેરો મારવામાંથી રાહત મળશે.
પેટલાદમાં આવતીકાલે ઓવરબ્રિજ લોકાર્પણ સમારોહ માટે મંડપ બાંધવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં રાત્રે લગભગ સાડા નવેક વાગ્યાના સુમારે મંડપ બાંધવામાં નડતરરૂપ ઝાડ કાપવા દરમ્યાન અંદાજે ૪૦ વર્ષીય કારીગરને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેને સત્વરે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર બાદ તેની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળેલ છે.
પેટલાદમાં બસ સ્ટેન્ડ સામે રેલવે ફાટક એલસી ર૯ ઉપર વર્ષ ર૦ર૧માં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરુ થઇ હતી. જો કે આંબેડકર સ્ટેચ્યુથી શાસ્ત્રી ગંજના દરવાજા સુધીનો બ્રિજ તૈયાર થઇ ગયો છે. પરંતુ વચ્ચેના ભાગ અંગે રેલવે તંત્ર તરફથી જરુરી મંજૂરી સમયસર ન મળવાના કારણે અંદાજે ૩૦ કરોડના ખર્ચ બની રહેલ બ્રિજની કામગીરી હાલ સ્થગિત જોવા મળી રહી છે. બ્રિજની આજુબાજુ સર્વિસ રોડ બનાવવામાં ન આવ્યો હોવાથી અંદાજે ૧૫૦થી વધુ નાના, મોટા વેપારીઓ પરેશાનીભરી સ્થિતિ અનુભવી રહ્યા છે. મંદ ગતિએ ચાલતી બ્રિજની કામગીરી કયારે પૂરી થશે તે અંગે તંત્ર સ્પષ્ટતા કરી રહ્યું નથી. બ્રિજની વિલંબ ગતિ અને પડતી સમસ્યા અંગે તાજેતરમાં વેપારીઓ સહિત સ્થાનિકોએ પ્રાંત અધિકારી અને પાલિકામાં આવેદનપત્ર પણ આપ્યું હતું.
પેટલાદમાં બસ સ્ટેન્ડ સામે ૪ વર્ષ અગાઉ બ્રિજ બનાવવાની શરુ થયેલ કામગીરી સ્થગિત : ઓવરબ્રિજની આસપાસના ૧૫૦થી વધુ વેપારીઓ અને સર્વિસ રોડના અભાવે રાહદારી, વાહનચાલકોને પરેશાની