આણંદ મનપાની કામગીરી સામે નાગરિકોમાં અસંતોષની લાગણી
આણંદ મહાનગર પાલિકા જાહેર થયા બાદ મનપાના વહીવટદાર, કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નરો દ્વારા સમાવિષ્ટ વિસ્તારમાં સુવિધા, નવા આયોજનો સહિતના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. પરંતુ કેટલીક બાબતોમાં કામગીરી દેખાડવાની ઉતાવળમાં મનપા દ્વારા ભવિષ્યની અસરો વિશે વિચાર્યા વિના મનમાનીભર્યા નિર્ણયો પણ લેવામાં આવી રહ્યાનું ચિત્ર ઉદ્દભવી રહ્યું છે. જેના કારણે લોકોને પરેશાનીભરી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
થોડા સમય અગાઉ મનપા દ્વારા ફાયર સેફટી ન હોવાના મામલે સમાવિષ્ટ વિસ્તારના કેટલાક પાર્ટી પ્લોટને સીલ માર્યા હતા. જેમાં પાર્ટી પ્લોટ સંચાલકોએ ફાયર સેફટી સીસ્ટમ નંખાવ્યા બાદ જરુરી પુરાવા-ડોકયુમેન્ટ મનપામાં જમા કરાવ્યા ૂહતા. જેમાં મનપાની ટીમ દ્વારા ડોકયુમેન્ટ ચકાસીને પાર્ટી પ્લોટ સંચાલકોને જણાવ્યું હતું કે, ડોકયુમેન્ટ મુજબ તમે વધારાનું બાંધકામ કર્યુ છે, તેની ઇમ્પેકટ ફી ભરપાઇ કરાયા બાદ જ પાર્ટી પ્લોટના સીલ ખોલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, લગ્નસરાની મૌસમના છ કે આઠ માસ અગાઉ પાર્ટી પ્લોટના બુકીંગ થઇ જતા હોય છે. હાલ લગjસરાની મૌસમ ચાલી રહી છે. અગાઉથી પાર્ટી પ્લોટ બુક કરાવનાર પરિવારજનો લગjની તડામાર તૈયારીઓમાં જોડાયા હોય તે સ્વાભાવિક છે. આ સ્થિતિમાં હવે તેમણે બુક કરાવેલ પ્લોટને સીલ લગાવ્યું હોવાથી અન્ય પ્લોટ શોધવાની દડમજલ કપરી બની રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે સલામતીના મામલે ફાયર સેફટી ફરજિયાત હોવી જોઇએ અને તે અંગેની મનપાની કામગીરી પણ યોગ્ય છે. પરંતુ ઇમ્પેકટ ફી ભર્યા બાદ પાર્ટી પ્લોટના સીલ ખોલવાનો નિર્ણય મનમાનીભર્યો ગણાવી શકાય. કારણ કે તેનાથી મહિનાઓ અગાઉ પ્લોટ બુકીંગ કરાવનારાઓ હાલાકીભરી સ્થિતિમાં મૂકાયા છે. ખરેખર મનપાએ પાર્ટી પ્લોટ સંચાલકો પાસે ઇમ્પેકટ ફી ભરવા માટે ૩ કે ૪ માસની મુદ્દતની એફીડેવિડ લેવી જોઇએ. આ સમયમર્યાદામાં ઇમ્પેકટ ફી ન ભરાય તો પાર્ટી પ્લોટ સામે નિયમોનુસારની કાર્યવાહી યથાયોગ્ય છે. પરંતુ મુદ્દત આપ્યા વિના ઇમ્પેકટ ફીના નામે પાર્ટી પ્લોટનું સીલ ન ખોલીને અનેકોના પ્રસંગમાં પરેશાની ઉભી કરવી માનવીય અભિગમની પણ વિરુદ્વની બાબત છે. આ બાબતે મ્યુનિ. કમિશ્નર સહિત ઉચ્ચ પદાધિકારીઓએ સત્વરે પ્રજા સલામતીની સાથે પ્રજાલક્ષી નિરાકરણ કરવું જરુરી બન્યું છે.