આણંદની ટૂંકી ગલીઓમાં કલેક્ટરના જાહેરનામાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન, તંત્રની ચૂપકિદી
આણંદ શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અગાઉ કલેકટર દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં સૌથી વધુ સમસ્યાગ્રસ્ત રેલ્વે સ્ટેશનથી જૂના બસ સ્ટેશન અને રેલવે ગોદીથી જનરલ હોસ્પિટલ સુધીના માર્ગો પરના દબાણો ખસેડવામાં આવ્યા હતા. ખાસ કરીને ટૂંકી ગલી અને આસપાસના માર્ગો પરના લારી-પાથરણાવાળાને હટાવીને આ માર્ગને વાહનો-રાહદારીઓની અવરજવર માટે ખુલ્લો કરાયો હતો. આ સ્થળોએ ફરીથી દબાણો ન ખડકાય તે માટે પાલિકાની દબાણ ટીમને તાકિદ કરી હતી.
પરંતુ આણંદ મનપા બન્યા બાદ ટૂંકી ગલીમાં પુન: નાના, મોટા દબાણો ખડકાવા સાથે આસપાસના માર્ગો પર દબાણોના કારણે સાંકડા બની ગયા છે. કલેકટરના જાહેરનામાના ખુલ્લેઆમ ભંગ છતાંયે મનપાની દબાણ હટાવ ટીમ આ તરફે આંખ આડા કાન કરી રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે. અન્ય સ્થળે દબાણકારોને તુરંત દંડ કરવા સહિતની કામગીરીમાં નિપુણ દબાણ હટાવ ટીમને ટૂંકી ગલીમાં કલેકટરના આદેશનું પાલન કરવામાં કયો અવરોધ નડી રહ્યો છે તે ચર્ચાતો સવાલ છે. અહીંયા પણ નિયમોનુસાર કામગીરી કરવામાં આવે તેવું વેપારીઓ સહિત રાહદારીઓનું માનવું છે.