આણંદ જિલ્લામાં પશુઓને પીવાના પાણી અને ઘાસચારાની સમસ્યા સર્જાવાના એંધાણ
આણંદ : આણંદ જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં માત્ર ૮,૮૭૦ હેક્ટરમાં જ ઘાસચારાનું વાવેતર થવા પામ્યું છે. જ્યારે જિલ્લામાં અંદાજિત ૫૦૦થી વધુ તળાવમાંથી ૧૦૦થી વધુના તળિયા દેખાઈ રહ્યા છે જ્યારે ૧૪૦ ટૂંક સમયમાં સૂકાઈ જવાની સંભાવના છે.
ત્યારે જિલ્લામાં ૮.૪૦ લાખ પશુઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણી અને લીલા ઘાસચારાની સમસ્યા સર્જાવાના ખેંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે સૂકા થઈ ગયેલા તળાવોમાં પાણી ભરવાનું આયોજન કરાયાનો તંત્ર દાવો કરી રહ્યું છે.
આણંદ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર કરી ગયો છે. આગામી દિવસોમાં આકરી ગરમી તથા હીટવેવ થવાની સંભાવનાઓ પણ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલકો માટે પાણીના મુખ્ય ોત ગણાતા ગામ તળના તળાવમાં હવે પાણી સુકાવા માંડયા છે. આણંદ જિલ્લામાં અંદાજિત ૫૦૦થી વધુ તળાવમાં ૧૦૦થી વધુના તળિયા દેખાઈ રહ્યા છે. અન્ય ૧૪૦ તળાવ ટૂંક સમયમાં સૂકા થઈ જવાનો ભય છે.
આકરા ઉનાળામાં પશુપાલકો માટે તેમના પશુઓને પીવાના પાણીની સમસ્યાઓ સર્જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલ આણંદ જિલ્લામાં લીલા ઘાસચારોનું ૮,૮૭૦ હેક્ટરમાં જ વાવેતર થવા પામ્યું છે. તેની સામે આણંદ જિલ્લામાં હાલ ૨.૭૩,૫૦૫ ઢોર, ૪,૬૦,૮૮૬ ગાય, ૯,૬૭૩ ઘેટાં અને ૯૪,૨૭૭ બકરાં મળીને કુલ ૮.૪૦ લાખ દૂધાળા પશુઓ છે. જેમને ઉનાળામાં લીલા ઘાસચારાની તંગી વર્તાય તેવું જાણવા મળી રહ્યું છે.
જિલ્લાના પશુપાલકોનું કહેવું છે કે, તંત્ર દ્વારા ગામડાઓના તળાવમાં વહેલી તકે પાણી ભરવામાં નહીં આવે તો આવનારા ઉનાળાના દિવસોમાં પશુઓ માટે પાણીની તંગીના લીધે કેટલાક પશુપાલકોને કિંમતી પશુઓ ગુમાવવાનો વારો આવી શકે છે. જેથી હાલ જેટલા તળાવ સૂકા થયા છે તેમાં ત્વરિત પાણી ભરવાની વ્યવસ્થા શરૂ કરવી જરૂરી બની છે.
આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત દ્વારા પશુઓને પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે કેનાલના પાણીથી તળાવો ભરવા સંદર્ભે આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના સૂકા તળાવમાં પણ પાણી ભરવાનું આયોજન કરવામાં આવશે. જેથી પશુઓને સહેલાઈથી પાણી મળવાનું શક્ય બનશે.