આણંદ: અમૂલ ડેરી ચૂંટણી માટે તૈયારીઓ તેજ – ઓગષ્ટમાં મતદાનની શક્યતા
સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત એવી સહકારી ધોરણે સ્થપાયેલી અમુલ ડેરીના નિયામક મંડળની મુદ્દત આગામી ઓગષ્ટ મહિનામાં પુરી થઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા ચૂંટણીની કવાયત તેજ કરી દીધી છે જેના ભાગરૂપે દુધ મંડળીઓ પાસે મતદારોના ઠરાવો મંગાવવામાં આવ્યા છે. તેને જોતા આ સપ્તાહના અંત સુધીમાં ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં કુલ ૧૨૫૮ જેટલી દુધ મંડળીઓ નોંધાયેલી છે. જેઓ દ્વારા દરરોજ અમુલ ડેરીમાં ટેન્કરો મારફતે દુધ પહોંચાડવામાં આવી રહ્યું છે. હાલના નિયામક મંડળની મુદ્દત આગામી ઓગષ્ટ મહિનામાં પુર્ણ થાય છે.એટલે આગામી પાંચ વર્ષ માટેના નિયામક મંડળની ચૂંટણી યોજવાની કવાયત હાથ ઘરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે તમામ મંડળીઓને પત્ર પાઠવીને ઠરાવો કરીને ચેરમેનની સહી અને સિક્કા સાથેના લેટરપેડ ઉપર કોણ મતદાન કરશે તેના નામનો ઠરાવ કરીને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે ત્રણ-ત્રણ નકલમાં ઠરાવો આગામી ૨૬મી એપ્રીલ સુધીમાં અમુલ ડેરીમાં મોકલી આપવાની સુચના આપી દેવામાં દેવામાં આવી છે. જેથી તારીખ ૩૧-૩-૨૫ની સ્થિતિએ કામચલાઉ મતદાર યાદી તૈયાર કરીને તેની પ્રસિધ્ધિ કરીને વાંધા અરજીઓ મંગાવવામાં આવશે. વાંધા અરજીઓના નિકાલ બાદ આખરી મતદાર યાદી તૈયાર કરીને તેની પ્રસિધ્ધિ પણ કરવામાં આવશે. દરમ્યાન ચૂંટણીનું સત્તાવાર જાહેરનામુ આ સપ્તાહના અંત સુધીમાં બહાર પાડી દેવામાં આવશે તેમ પણ મનાઈ રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર આણંદ, ખેડા અને વીરપુર એમ ત્રણેય જિલ્લામાં થઈને કુલ ૧૨ બ્લોક વાઈઝ જ ચૂંટણી યોજાનાર છે. જેમાં આણંદ જિલ્લામાં ચાર બ્લોકમા આણંદ, બોરસદ, પેટલાદ અને ખંભાતનો સમાવેસ થાય છે. ખેડા જિલ્લામાં ઠાસરા, કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, માતર અને નડીઆદ જ્યારે વીરપુર તાલુકામાં બાલાસિનોર અને વીરપુરનો સમાવેસ થાય છે. આ ઉપરાંત એક વ્યક્તિગત સભાસદની પણ ચૂંટણી યોજાશે. જે મોટાભાગે બિનહરીફ જ થશે તેમ મનાઈ રહ્યું છે. આ વિભાગમાં પાંચ થી છ જ મતો છે અને મોટાભાગના હાલના સભ્ય રણજીતભાઈ કાન્તીભાઈ પટેલ (સારસા)ના પરિવારજનોના જ છે. એટલે આ વખતે પણ તેઓ બિનહરીફ વિજેતા બનશે તેમ મનાઈ રહ્યું છે. અમુલ ડેરીની સત્તાને લઈને છેલ્લા અઢી વર્ષથી ભાજપ સમર્થિત ડીરેક્ટરો વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે તેને લઈને સમગ્ર ચૂંટણી ભારે રસપ્રસદ બની રહેનાર છે. ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ અત્યારથી જ જે તે દુધ મંડળીના ચેરમેન, વાઈસ ચેરમેન અને સેક્રેટરીનો સંપર્ક કરીને પોતાના માણસનો જ ઠરાવ કરાવવાની પેરવી હાથ ઘરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.