આણંદ મ્યુનિસિપલ ચીફ પંકજ બારોટને ફરજિયાત નિવૃત્તિ અપાઈ
આણંદ : આણંદ પાલિકામાં ૨૦૧૫માં પ્રમુખ પ્રજ્ઞોશ પટેલ, ચીફ ઓફિસર પંકજ બારોટ સહિતના સત્તાધીશોએ દુકાનદારોની માત્ર સાદી અરજીના આધારે સરકારને અંદાજે ૨૯ લાખની ખોટ કરાવીને દુકાનો મોટી કરવા જગ્યા ફાળવી હતી. આ અંગે એસીબીમાં ૨૦૧૬માં તત્કાલિન પ્રમુખ, ચીફ ઓફિસર સહિત ૧૮ લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં તમામે આગોતરા જામીન મેળવ્યા બાદ નિર્ણય આગામી સમયમાં આવવાની શક્યતાઓ છે. ત્યારે તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ૨૦૨૪માં પેટલાદ પાલિકામાં ફરજ બજાવતા હતા ત્યારે સરકારે ફરજિયાત નિવૃત્તિ લેવડાવી હોવાનું જાણવા મળ્યું છે.
આણંદ નગરપાલિકા હસ્તકના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા શોપિંગ સેન્ટરમાં ૨૦૧૫માં તત્કાલિન પ્રમુખ સહિત સત્તાધીશોએ દુકાનદારોની માત્ર સાદી અરજી લઇને કોઇપણ હરાજી, ડેન્ડરિંગ વગર ૧૫ ફૂટ જેટલી મોકાની કિંમતી જગ્યા ફાળવી દીધી હતી. શહેરની વચ્ચોવચ્ચ આવેલા પાલિકાના કોમ્પલેક્સમાં નિયમો નેવે મૂકીને ફાળવાયેલી જગ્યા મામલે ભારે ઉહાપોહ મચ્યો હતો. આ અંગે એસીબીમાં ફરિયાદ કરાઈ હતી. એક વર્ષ સુધી તપાસ ચાલ્યા બાદ ચાર્જશીટ થયા બાદ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સુનાવણીમાં કોર્ટે એક મહિનામાં ગુનો નોંધવા હુકમ કર્યો હતો. જો કે, કોર્ટ કન્ટેમ સુધી મામલો પહોંચતા તા. ૨ જુલાઈ, ૨૦૧૬ના રોજ તત્કાલિન એસીબી પીઆઈ એ.એ.શેખે ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ અંતર્ગત તત્કાલિન પ્રમુખ, ચીફ ઓફિસર પંકજ બારોટ સહિત ૧૮ લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
શોપિંગ સેન્ટરની જગ્યા ફાળવવા બાબતે પાલિકાએ શહેરી વિકાસમાંથી મંજૂરી મેળવીને જગ્યાની કિંમત નકકી કરીને જાહેર હરાજી કે ટેન્ડરિંગ કરવાની જરુર હતી, પરંતુ વેપારીની સાદી અરજી લઈને કિંમત રૂ.૫૦ હજાર વેપારી પાસેથી ભરાવીને જગ્યા ફાળવી દઈને કૌભાંડ આચરાયું હતું. આ કેસમાં તમામે આગોતરા જામીન મેળવ્યા હતા. જેનો આખરી નિર્ણય આગામી સમયમાં આવનાર હોવાની સંભાવના વચ્ચે તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટને ૨૦ જુલાઈ ૨૦૨૪માં પેટલાદ નગરપાલિકામાં ફરજ બજાવતા હતા ત્યારે સરકારે ફરજિયાત નિવૃતિ લેવડાવતા એસીબી કેસનો મામલો પુનઃ ચચત બન્યો છે.આણંદમાં છ મહિના અગાઉ આરટીઆઈ હેઠળ નાગરિકે માહિતી માંગી હતી. અઠવાડિયા પહેલા આવેલા જવાબમાં પંકજ બારોટને ફરજિયાત નિવૃત્ત કરી દેવાયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
શોપિંગ સેન્ટરમાં દુકાનદારોને બારોબાર ફાળવાયેલી જગ્યાના કારણે સરકાર- પાલિકાને થયેલી નુકસાની અંગે એસીબીએ ડીસ્ટ્રીકટ લેન્ડ પ્રાઇઝ કમિટીનો રિપોર્ટ માંગ્યો હતો. જેમાં કલેકટરે આ જમીનની કિંમત રૂ. ૨૯.૧૧ લાખ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જેથી હરાજી કરવામાં આવી હોત તો પાલિકા-સરકારને ૨૯.૧૧ લાખથી વધુ રકમ મળી શકી હોત તેવું સ્પષ્ટ થયું હતું.
આણંદ પાલિકામાં થયેલા એસીબી કેસમાં હાથ ધરાયેલી તપાસ બાદ તત્કાલિન પ્રમુખ સહિતની બોડી અને ચીફ ઓફિસર સામે ચાર્જશીટ કરવામાં આવી હતી. દરમિયાન તત્કાલિન ચીફ ઓફિસર પંકજ બારોટ સામે અંદાજે ૯ મહિના અગાઉ અન્ય જિલ્લામાં પણ કોઈ મામલે ચાર્જગીટ કરવામાં આવી હતી. જેથી આ ગંભીર બાબતને ધ્યાને લઈને રાજય સરકાર દ્વારા નિવૃત્તિનો સમય બાકી હોવા છતાં ફરજિયાત નિવૃત્તિ લેવડાવી હોવાનું જાણવા મળ્યું છે.