ચાણોદમાં ઓરસંગ નદીમાંથી રેતી ખનનથી લોકરોષ
ચાણોદ : ડભોઇ તાલુકાના તીર્થસ્થાન ચાણોદ કરનાળીની મધ્યમાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાંથી રેતી ખનન પ્રવૃત્તિએ માઝા મૂકી છે.ત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.રેતી ખનનથી ચાણોદ કરનાળી બ્રિજ તેમજ રેલવે બ્રિજના પાયા આડેધડ ખનન પ્રવૃત્તિઓને લઈને ખુલ્લા થઇ જતા દુર્ઘટનાની આશંકા સેવાય છે.
નદીના ઘસમસતા પ્રવાહથી ચાણોદ કરનાળીના નદી કાંઠાના વિસ્તારોની ભેખડોમાં ધોવાણ થઇ રહ્યું છે. રેતી ખનનથી પૂરના પ્રવાહનો વેગ વધુ બને છે. સંગમના પિંગલેશ્વર મંદિરનો કેટલોક ભાગ પણ પૂરમાં ધોવાઈ ગયો હતો.બીજી બાજુ સફેદ રેતી ખનનના વહન કરતા વાહનો સતત ચાણોદના ફૂલવાડી તરફથી માંડવા સેગવા તરફ આવનજાવન કરતા રહેતા ડમ્પરોનો સતત ધમધમાટ ચાલતો રહે છે. જેને લઈને રસ્તા પર ઠેકઠેકાણે ડમ્પરમાંથી રેતી-કપચી રોડ પર વેરાતી હોય છે. જેથી ડમ્પરો પાછળ આવતા વાહન ચાલકો ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકોના આવતા જતા મુસાફરો અને રાહદારીઓની આંખોમાં રેતી ઉડે છે. રસ્તા પર વેરાતી રેતીના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનો સ્લીપ મારવાની સંભાવના વધી જાય છે.કપચીઓ ટાયરોમાં ફસાતા પંચર તેમજ પથ્થર ઉડવાનાબનાવ બનતા રહે છે. આ ક્ષેત્રમાં ડમ્પરો યાત્રિકોની ભીડ હોય એવા અમાસ સહિતના વાર તહેવારોના દિવસોમાં પણ બેફામ દોડતા હોય છે.જેને લઈને રસ્તા પર ટ્રાફિક હોય ત્યારે અકસ્માતની સંભાવના વધી જાય છે. તંત્ર દ્વારા આ બાબતે સત્વરે પગલાં લઈ કાર્યવાહી કરે એવી સ્થાનિકોની માંગ છે.