ગણેશ ચોકડી પાસે ગટરના ઢાંકણાં બન્યાં દુર્ઘટનાનું આમંત્રણ
આણંદની ગણેશ ચોકડી ઉપર આવેલા રેલ્વે ફાટક ઉપર છેલ્લા છ મહિનાથી ટુ લેયર ઓવરબ્રીજ બની રહ્યો છે ત્યારે અમુલ ડેરીના સર્વિસ રોડ ઉપર આવેલી સ્ટ્રોમ વોટર ગટરના ઢાંકણા ઉંચા-નીચા હોય અહીંયા છાશવારે અકસ્માતો સર્જાઈ રહ્યાછે. કેટલાક વાહનચાલકોનો ટાયરો પણ ફાટી જવાની ઘટના બનતા વાહનચાલકોમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. મહા નગરપાલિકા દ્વારા તાકીદે આ ગટરના ઢાંકણા સમથળ કરી દેવાની માંગણી ઉઠવા પામી છે. જો નહીં કરવામા ંઆવે તો ગંભીર અકસ્માત સર્જાવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સર્વિસ રોડ શરૂ કરતાની સાથે જ આ રોડ ઉપર નાંખવામાં આવેલી સ્ટ્રોમ વોટર ગટર યોજનાના ઢાંકણા સાવ તકલાદી હોય વારેઘડીએ આ ઢાંકણા વજનદાર વાહનોના કારણે તુટી જવા પામતાં હતા. એક બાઈક ચાલકનું તો બાઈક ગટરનું ઢાંકણુ તોડીને અંદર ઉતરી પણ જવા પામ્યું હતુ. જો કે ત્યારબાદ મહા નગરપાલિકા દ્વારા અમુલ ડેરીથી લઈને છેક ફાટક સુધીના સર્વિસ રોડ ઉપર વજનદાર અને મજબુત ઢાંકણા નાંખી દેવામાં આવ્યા હતા. જો કે નાંખવામાં ભારે વેઠ ઉતારી હતી. જેમાં કેટલીક જગ્યાએ આ ઢાંકણા રોડથી ઉપરની સાઈડે તો કેટલીક જગ્યાએ રોડની નીચેની સાઈડે ગોઠવી દેવામાં આવ્યા હતા.
જેને લઈને અહીંયાથી પસાર થતા ટુ, થ્રી અને ફોર વ્હીલરોના ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગટરના ઢાંકણા રોડથી ઉંચાઈવાળી જગ્યાએ હોય કેટલાક ફોર વ્હીલરના ટાયરો અથડાતા ફાટી જવાની પણ ઘટનાઓ બનવા પામી હતી. અહીંયાથી રોજબરોજ જતા વાહનચાલકો ટેવાઈ જવા પામ્યા છે. પરંતુ કયારેક અહીંયાથી નીકળતા વાહનચાલકો આ ઉંચા-નીચા ગટરના ઢાંકણાને કારણે બેલેન્સ ગુમાવી બેસે છે અને છાસવારે અકસ્માત સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને ફાટક બંધ હોય અને ખુલે ત્યારે આવા નાના અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ અંગ વારેઘડીએ મહાનગરપાલિકાને જાણ કરવામાં આવી હોવા છતાં પણ તેમના પેટનું પાણી પણ હાલતુ નથી જેને લઈને વાહનચાલકોમાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.
અમુલ ડેરીવાળા સર્વિસ રોડ ઠેર-ઠેર ગટરના ઢાંકણા રોડનું લેવલ કર્યા વગર ઉંચા-નીચા ગોઠવી દેવામાં આવ્યા છે. જેને લઈને વાહનચાલકોને પોતાના વાહનો લઈને અહીંયાથી પસાર થવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે આ સર્વિસ રોડ પરથી પોલીસ, સરકારી અધિકારીઓ, અમુલ અને ફેડરેશનના અધિકારીઓની ગાડીઓ વારંવાર પસાર થાય છે અને તેઓની ગાડીઓ પણ આ ઉંચા-નીંચા ગટરના ઢાંકણાને લઈને પછડાઈ રહી છે તેમ છતાં પણ આજદિન સુધી આ સમસ્યા જૈસે થે જ રહેવા પામી છે.