આણંદ શહેરમાં ગૌવંશની કતલનું કૌભાંડ : 705 કિલો માંસ ઝડપાયું
આણંદ : આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલસન ડેરી રોડ ઉપર ખાટકીવાડમાંથી ગૌવંશની કતલનું કૌભાંડ પકડાયું છે. શહેર પોલીસે ૭૦૫ કિલો ગૌમાંસના જથ્થા સાથે રૂા. ૧.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે, કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો ફરાર થઈ જતા પોલીસને માત્ર મુદ્દામાલ જપ્ત કરી સંતોષ માનવો પડયો હતો.
આણંદ શહેરના પોલસન ડેરી રોડ ઉપર આવેલી તાસ્કંદ સોસાયટી નજીક ખાટકીવાડમાં આસિફમીયા અલ્લારખા કુરેશીના મકાનની ઓરડીમાં ગૌવંશની કતલ કરવામાં આવી રહી હતી. જ્યાં આણંદ શહેર પોલીસે દરોડો પાડતા ગૌવંશની કતલ કરતાં ઓરડીના પાછળના દરવાજાએથી નાસી છૂટયા હતા. આસિફ અલ્લારખા કુરેશી રહે. ખાટકીવાડ, આણંદ અને રબ્બાની કાદરભાઈ કુરેશી મૂળ રહે. ઉમરેઠ હાલ રહે. આણંદવાળા સહિત કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. ઓરડીમાં ત્રણ ગૌવંશની કતલ કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. કતલ કરવાના સાધનો પણ મળ્યા હતા. પશુ ચિકિત્સકે તપાસ કરતા કતલ કરાયેલા પશુઓ ગૌવંશ હોવાનું ખૂલ્યું હતું. પાલિકાની ટીમ દ્વારા ટ્રેક્ટરમાં કતલ કરાયેલા ગૌવંશને લઈ જવાયા હતા. પોલીસે સ્થળ પરથી ૭૦૫ કિલો ગૌમાંસનો જથ્થો, લોખંડની છરીઓ- છરા, વજન કાંટો કુહાડી સહિત રૂા. ૧,૪૨,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આસિફમિયા અલ્લારખા કુરેશી અને રબ્બાની કાદરભાઈ કુરેશી વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરમાંથી ગૌવંશની કતલનું કૌભાંડ પકડાતા અહીંથી એક્સપોર્ટ કરાતું હોવાની ચર્ચાઓ પણ ઉઠી છે. ત્યારે કેટલા સમયથી અહીં કતલ થતી હતી અને ક્યાં ક્યાં જથ્થો મોકલાતો હતો તે તપાસનો વિષય બન્યો છે. પોલીસ પારદર્શક તપાસ કરે તો મોટા માથાની સંડોવણી બહાર આવવાની શક્યતાઓ છે.
છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લાના વિવિધ ગામોમાં ગૌવંશની કતલ કરવામાં આવી રહી છે. થોડા સમય પૂર્વે આણંદ જિલ્લાના ભાલેજ ગામેથી ગૌવંશની હત્યાનું મોટું રેકેટ ઝડપાયું હતું. ત્યારે હવે આણંદમાંથી પણ ગૌવંશના કતલનું કૌભાંડ પકડાતા હિન્દુ સંગઠનોમાં આક્રોશની લાગણી ફેલાઈ છે.