20 વર્ષથી રસ્તા નહિ બન્યા, ગોપી સિનેમા પાછળના વિસ્તારમાં રહેવાસીઓ નારાજ
આણંદ શહેર ના ગોપી સિનેમા પાસે થી અક્ષરફાર્મ પાછળના માર્ગને જોડતા રોડ પર વર્ષો જૂની કેટલીક સોસાયટી આવેલી છે. આ સોસાયટીને જોડતા માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયા છે.જેને લઇને ભારે હાલાકી વેઠવાનો વખત આવે છે. આ રોડ 20 વર્ષથી નવો બન્યો જ નથી. ત્યારે આણંદ મનપા હેઠળ જે વિસ્તારમાં આરસીસી રોડ તેવા વિસ્તારમાં નવા આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યાં છે. પરંતુ વર્ષો જૂની સોસાયટીઓમાં આરસીસી રોડનું કામ મુકવામાં આવતું નહીં હોવાથી ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરના ગોપી સિનેમા પાસે તાજેતરમાં મનપાએ નવો માર્ગ બનાવ્યો છે.
આ માર્ગ પર નાની મોટી 15થી વધુ સોસાયટીઓ આવેલી છે. પરંતુ સોસાયટીને જોડતા રસ્તા વર્ષો જૂના હોવાથી બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયા હોવાથી વાહનચાલકો સહિત રાહદારીઓને અવરજવર કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે બાબતે સ્થાનિક રહીશો દ્વારા મનપા બન્યા બાદ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા અન્ય વિસ્તારોમાં જયાં સારા રોડ હોવા છતાં ત્યાં આરસીસી રોડની કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ શ્રીજી પાર્ક,અંબિકા પાર્ક, લાખા પાર્ક સહિતની સોસાયટીઓમાં આરસીસી રોડ બનાવવામાં આવતો નથી. જેને લઇને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો છે.
ગોપી સિનેમા નજીક આવેલ મમરા પૌંઉઆની ફેકટરી પાછળ ભાગે આવેલ શ્રીજી પાર્ક, અંબિકા પાર્ક સહિતની સોસાયટીઓ હાલમાં પુરતા ફોર્સથી પાણી મળતું નહીં હોવાથી ગૃહિણીઓને સવારે પાણી ભરવા માટે નજીક સોસાયટીઓમાં જવાનો વખત આવે છે. તેમજ સ્ટ્રીટ લાઇટો સહિત બ્લોક કામગીરી કરવામાં આવી નથી. જેને લઇને સ્થાનિકો ભારે હાલાકી વેઠવાનો વખત આવે છે. > મીનાબેન ઠાકોર, સ્થાનિક રહીશે
આણંદના કેટલાંક વિસ્તારમાં માર્ગની બંને બાજુએ વર્ષો અગાઉ નાંખેલાં બ્લોક ખોદી નાંખ્યા છે. પરંતુ નવા બ્લોક નાંખ્યાં નથી. જૂના બ્લોક રોડની બાજુમાં ખડકી દેવાયા હોવાથી ચાલકોને હાલાકી પડી રહી છે. આણંદના લોટિયા ભાગોળ વિસ્તારમાં કેટલાંક ફળિયા સહિત સોસાયટીમાં 3 માસ અગાઉ રોડની બંને બાજુએ બ્લોક ઉખાડી નાંખીને નવા બ્લોક નાંખવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ બ્લોક ઉખાડી નાંખ્યા બાદ કોઇ કારણસર કેટલીક સોસાયટીમાં કામ બંધ કરી દેવાયું છે. જેના કારણે રોડની બંને બાજુએ ખાડા પડી ગયા છે તેમ અશ્વિનભાઇ ભટ્ટે જણાવ્યું હતું.
આણંદ શહેરના ટાઉન હોલ પાસે મધુવન સોસાયટી સામે, આણંદ, ઓગસ્ટ 2024 માં પાઇપલાઇનના કામ માટે શ્રી હરિ પાર્કથી ઓમકારેશ્વર મંદિર સુધી ખોદવામાં કરવામાં આવ્યું હતું. કામ પૂર્ણ થયે પાંચ માસ થઇ ગયા છે. પરંતુ માત્ર માટી પુરાણ કરીને સંતોષ માનવામાં આવ્યો છે. પેચવર્કની કામગીરી કરવામાં આવી નથી. હવે ચોમાસા આડે અઢી માસ રહ્યાં છે. ત્યારે જો રસ્તાની બંને બાજુ યોગ્ય રીતે પુરાણ કરીને રોડ બનાવવામાં નહીં આવે તો વરસાદ પડતાની સાથે બેસી જવાની સંભાવના છે. જેના કારણે વાહનચાલકો સાઇડમાં વાહન લેતો અંદર ઘુસી જવાની સંભાવના છે.તેમજ હાલમાં ખાડા હોવાથી રાહદારીઓને રોડ વચ્ચે ચાલુ પડે છે.
નલ સે જલ યોજના હેઠળ થયેલ કામ કે આણંદ – જીટોડીયા રોડ પર ગટર લાઇન નવા ઢાંકણા એક માસ અગાઉ મુકવામાં આવ્યાં હતા. પરંતુ જે તે વખતે લોડ ટેસ્ટ કર્યા વગર જ હલકી ગુણવતા નવા ઢાંકણ મુકવામાં આવ્યાં હતા. આ રસ્તા પર ભારે વાહનોની અવરજવર વધુ રહેતી હોવાથી ટુંકા ગાળામાં ઢાંકણા તુટી ગયા છે. ત્યારે મનપા દ્વારા તાત્કાલિક આ બાબતે તપાસ કરીને જવાબદાર કોન્ટ્રાકટર સામે પગલાં લેવામાં આવે તેમજ નવા ઢાંકણા બેસાડતી વખતે લોડ વગેરે ચેકીંગ કર્યા બાદ બેસાડવામાં તેવી માગ ઉઠવા પામી છે.