જીઇબીનું સોલાર પોર્ટલ ઠપ્પ, આણંદના ગ્રાહકોને મુશ્કેલી
વધુને વધુ વીજ ગ્રાહકો સોલાર પેનલ લગાવીને માસિક વીજળી બિલમાંથી રાહત મેળવે તેવા સરકાર દ્વારા પ્રચાર-પ્રસાર સહિતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોલાર પેનલ લગાવવાનું કામ કરતી ઓથોરાઇઝ એજન્સીઓ દ્વારા પણ વિવિધ માધ્યમો થકી સોલાર નંખાવવા ઇચ્છુક ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા એ.સી., કૂલર, પંખા સહિતના ઇલેકટ્રીક માધ્યમોના વપરાશથી આવતા તોતિંગ વીજ બીલથી બચવા માટે અને ઘરખર્ચમાં રાહત રહે તેવી ગણતરીએ સોલાર પેનલ નંખાવનાર ગ્રાહકોની સંખ્યા ઉત્તરોતર વધી રહી છે. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી સોલાર પેનલ લગાવવા માટેની ઓનલાઇન નોંધણી માટેનું વીજ કંપનીનું પોર્ટલ જ ઠપ્પ છે. જેના કારણે જીઇબી દ્વારા એસ.આર. નંબર ફાળવવામાં આવતો ન હોવાથી પેનલ લગાવવાની એજન્સીની પ્રકિયા અટકી પડી છે. બીજી તરફ ઉનાળામાં વધુ વીજ બીલમાંથી મુકિત માટે આયોજન કરીને સોલાર પેનલ નંખાવનાર ગ્રાહકોને પણ આર્થિક લાભ સાંપડી રહ્યો નથી. સોલાર પેનલ માટે પહેલા ગ્રાહક-એજન્સીએ જીઇબીમાં ઓનલાઇન અરજી કરવાની હોય છે. ત્યારબાદ જીઇબી દ્વારા અરજીમાં દર્શાવેલ વિસ્તારનું ઓનલાઇન સર્વ કરીને ફીજીવીટી એપ્રૃવ કરે છે.ત્યારબાદ કવોટેશન અને એસ.આર.નંબર આપે છે. જે મેળવ્યા બાદ ગ્રાહક-એજન્સીએ સોલાર મીટર માટે પેમેન્ટ ભરવાનું હોય છે. પરંતુ છેલ્લા મહિના ઉપરાંતથી સોલાર નોંધણી પોર્ટલ બંધ હોવાના કારણે અરજીકર્તા ગ્રાહકોને એસ.આર. નંબર ફાળવવામાં આવતો નથી. જેના કારણે સોલાર મીટર લગાવવા સહિતની પ્રકિયાને બ્રેક લાગી છે. મહિના ઉપરાંતથી પોર્ટલ બંધ હોવાથી અનેકો વીજ ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી રહી છે. નાણાં ખર્ચવા છતાંયે સોલાર પેનલથી ઉત્પન્ન થતી વીજળીનો લાભ મેળવી શકતા નથી. છતાંયે જીઇબી દ્વારા પોર્ટલને પુન: કાર્યરત કરવામાં ભારે બેદરકારી દાખવવામાં આવી રહ્યાનો ઝટકો ગ્રાહકો ભોગવી રહ્યાની સ્થિતિ ઉદ્દભવી છે.
સોલાર પેનલ વિભાગ સાથે સંકળાયેલા આણંદ જીઇબીના અધિકારી શર્માએ જણાવ્યું હતું કે, પોર્ટલ નવંં આવ્યું હોવાથી અપડેટ થઇ રહ્યું છે. જે પ્રકિયા પૂરી થતા પોર્ટલ ઓનલાઇન કાર્યરત થઇ જશે. જો કે એસ.આર. નંબરના અભાવે પડતી હાલાકી અંગે તેઓએ જણાવ્યું હતું કે, સંલગj સબ ડિવિઝનમાં જઇને અરજી આપવાથી એસ.આર. નંબર પાડી આપશે. જો રહેણાંકનું કનેકશન હશે તો જે-તે એજન્સીવાળા પણ સબ ડિવિઝનનો સંપર્ક સાધશે તો એસ.આર. નંબર પાડી આપવા સહિતની પ્રકિયા કરી આપશે.