આઈરીશ હોસ્પિટલમાં પાઈલ્સ ઓપરેશન બાદ દર્દીનું મોત, નિષ્કાળજીનું ગૂંથાયેલી ગૂંથણ
આણંદ શહેરના લાંભવેલ રોડ ઉપર આવેલી આઈરીશ હોસ્પીટલમાં ગત ૧૯મી ફેબ્રુઆરીના રોજ સાંજના સુમારે પાઈલ્સના ઓપરેશન બાદ કઠલાલના એક દર્દીના થયેલા મોત સંદર્ભે બે મહિના જેટલો સમય થવા આવ્યો છે, ત્યારે પોલીસની તપાસ પણ અંતિમ તબક્કામાં પહોંચી છે અને હવે સિવિલ સર્જનના અભિપ્રાય બાદ ડોક્ટરની નિષ્કાળજી છે કે કેમ તે ઉજાગર થનાર છે. પેનલ ડોક્ટર દ્વારા કરવામાં આવેલા પીએમના રીપોર્ટમા દર્દીનુ મોત આંતરડામાં પંક્ચર થવાને કારણે પરુનું ઈન્ફેક્શન થઈ જતા મોત થયાનું ખુલવા પામ્યુ હતુ.
પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ રોડ ઉપર આવેલા કઠલાલ ગામના ચૌહાણપુરા ખાતે રહેતા જયદિપકુમાર જેસંગભાઈ સોઢા પરમાર (ઉ. વ. ૪૦)ને પાઈલ્સની તકલીફ હોય, આણંદ શહેરની આઈરીશ હોસ્પીટલમાં ગત ૧૩મી ફેબ્રુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને ૧૪મી તારીખના રોજ ડોક્ટર અપુર્વ પટેલ દ્વારા સ્ટેપ્લર પીનવાળુ ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ બીજા દિવસે રજા આપી દેવામાં આવતા તેને ઘરે લઈ જવામાં આવ્યો હતો. જો કે એક દિવસ બાદ જ તેની તબિયત લથડી હતી અને પેટમાં ગેસના ભરાવાની બુમો પાડવા લાગ્યો હતો. જેથી તેને ગત ૧૭મી તારીખના રોજ પુન: આઈરીસ હોસ્પીટલમાં લઈ જવામા ંઆવ્યો હતો. જ્યાં ૧૯મી તારીખના રોજ સાંજના સુમારે એકાએક તેનું મોત થયું હતુ. દર્દીના મોત પાછળ ડોક્ટરની નિષ્કાળજી જ જવાબદાર છે તેમ જણાવીને ભારે હોબાળો કરી મુકવામાં આવ્યો હતો. જેને લઈને શહેર પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો લઈને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ખરેખર દર્દીનું મોત કયા કારણોસર થયું છે, તે જાણવા માટે મૃતદેહને કરમસદની હોસ્પીટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કર્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા માટે વીસેરા લઈને ગાંધીનગર એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
જેનો રીપોર્ટ આવી જવા પામ્યો છે અને દર્દીનું મોત આંતરડામાં પંક્ચર થઈ જવાને કારણે પરુનું ઈન્ફેક્શન થતા મોત થયાનો ખુલાસો થવા પામ્યો છે. જેથી પોલીસ દ્વારા દર્દીનું મોત ડોક્ટરની બેકાળજીને કારણે થયું છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મૃતકોના સગાસંબંધીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા અને ઓપરેશન કરનાર તબીબ સહિત સારવાર કરનાર તબીબોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. સાથે સાથે આ કેસને લગતી કેટલાક દસ્તાવેજી પુરાવાઓ પણ એકત્ર કરીને પોલીસ દ્વારા સમગ્ર તપાસનો એક અહેવાલ તૈયાર કરીને સિવિલ સર્જનને રીપોર્ટ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર કેસની તપાસ કરી રહેલા સરદારબાગ ચોકીના પીએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર સમગ્ર કેસ સંદર્ભે તલસ્પર્શી તપાસ ચાલી રહી છે. દર્દીના સગાઓ, તબીબ સહિત તમામના નિવેદનો લેવાઈ ચુક્યા છે અને કેટલાક દસ્તાવેજી પુરાવાઓ આવી ગયા બાદ તેનો એક અહેવાલ સિવિલ સર્જનને મોકલી આપવામાં આવશે. સિવિલ સર્જન દ્વારા નક્કી કરાશે કે આ કેસમાં ડોક્ટરની નિષ્કાળજી હતી કે કેમ ? જો ડોક્ટરની નિષ્કાળજી પુરવાર થશે તો ગુનો દાખલ કરવામાં આવશે.
આણંદના સીડીએમઓ ડો. અમર પંડ્યાના જણાવ્યા અનુસાર હજી સુધી આવા એકપણ કેસ અમારી પાસે આવ્યા નથી. પોલીસ રીપોર્ટ કરીને અભિપ્રાય માંગશે તો આ અંગે સિવિલ સર્જનની આગેવાની હેઠળ કમિટિની રચના કરીને સમગ્ર કેસનો ઝીણવટપુર્વકનો અભ્યાસ કર્યા બાદ નક્કી કરાશે કે ડોક્ટરની બેકાળજી હતી કે કેમ. દર્દી દાખલ થયો ત્યારથી લઈને તેની શું શું સારવાર કરવામાં આવી, કઈ-કઈ દવાઓ આપવામાં આવી, ઓપરેશન ક્યારે કેવી રીતે થયું તમામ વિગતોનો અભ્યાસ કર્યા બાદ જ અંતિમ નિષ્કર્ષ ઉપર પહોંચાશે તેમ વધુમાં જણાવ્યું હતુ.