ડાકોર પાલિકાનું વૉટર એટીએમ યોજના પર પાણી ફેરવાયું? લાખો ખર્ચ્યા છતાં બંધ હાલતમાં
ડાકોર : ડાકોર પાલિકાએ રૂા. ૩૦ લાખના ખર્ચે મૂકેલા વૉટર એટીએમ એક વર્ષથી શોભાના ગાંઠિયાની જેમ ધૂળ ખાતા પડયા છે. રવિવારે દર્શનાર્થીઓ ડાકોરમાં વૉટર એટીએમ હોવા છતાં પણ દુકાનમાંથી મોંઘા ભાવનું પાણી ખરીદવા મજબૂર બન્યા હતા.
ડાકોર નગરપાલિકામાં સરકારના ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી આશરે ૩૦ લાખનો ખર્ચ કરી દર્શનાર્થીઓને ઠંડા પાણીની સુવિધા મળી રહે તે માટે પાંચ વૉટર એટીએમ મશીન એક વર્ષ પહેલા મૂકવામાં આવ્યા હતા. દર્શનાર્થીઓની વધુ અવર જવરવાળા ગોમતીઘાટ ઉપર બે, બોડાનાજી સર્કલ પાસે, વડાબજારમાં અને ટેમ્પલ રોડ પર વૉટર એટીએમ મશીન મૂકવા માટેની જગ્યા પસંદ કરી દેવાઈ હતી.
પાલિકા દ્વારા આ જગ્યાઓ ઉપર ત્વરિત રિપેરિંગ, પાણી સપ્લાયની લાઈનો નાખીને વૉટર એટીએમ મશીન મૂકી દેવાયા હતા. પરંતુ, થોડો સમય શરૂ રહ્યા બાદ જાળવણીના અભાવે એક વર્ષથી બંધ પડયા છે.
સામાન્ય નાનું રિપેરિંગ નહીં કરાવાતા વૉટર એટીએમ ધૂળ ખાતા બંધ હાલતમાં પડયા રહેવાની નોબત આવી હોવાનું સ્થાનિકોનું જણાવવું છે. ત્યારે ચૈત્રી પૂનમ બાદ રવિવારની રજાના દિવસે પણ ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા. ગરમીમાં વૉટર એટીએમ બંધ હોવાના લીધે દર્શનાર્થીઓ મોંઘા ભાવે દુકાનોમાંથી પાણી ખરીદવા મજબૂર બન્યા હતા.