આણંદ : લોટીયા ભાગોળ બ્રીજ પાસે ટેન્કરની ટક્કરે વૃદ્ઘાનું મોત
આણંદ શહેરના લોટીયા ભાગોળ મહારાણા પ્રતાપ સ્ટેચ્યુની પાસે પુરપાટ ઝડપે જતી એક ટેન્કરે શાકભાજી લેવા જતા વૃધ્ધાને ટક્કર મારતાં તેમનુ સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ અંગે આણંદ શહેર પોલીસે ટેન્કરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર લોટીયા ભાગોળ પોલીસ ચોકીની પાછળ આવેલા હરિજનવાસમાં રહેતા ફરિયાદી પિનાકીન ધિરજભાઈ વાઘેલાના દાદીમા શાંતાબેન આજે સવારના ૧૧ વાગ્યાના સુમારે ચાલતા મહારાણા પ્રતાપ સ્ટેચ્યુની પાસે આવેલા ઓવરબ્રીજ પાસે શાકભાજી લેવા માટે જતા હતા દરમ્યાન પુરપાટ ઝડપે આવી ચઢેલા ટેન્કર નંબર જીજે-૧૮, એયુ-૮૫૮૨ના ચાલકે ટક્કર મારતાં તેઓ રોડ ઉપર પડ્યા હતા. જેમાં હાથે-પગે તેમજ શરીરે ઈજાઓ થવા પામતાં તેમને તુરંત જ સારવાર માટે કરમસદની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં લઈ જવામાં આવતાં ત્યાં સારવાર દરમ્યાન અવસાન થયું હતુ.
અકસ્માતને પગલે-પગલે સ્થળ ઉપર ટોળુ એકત્ર થઈ જવા પામ્યું હતુ. ઘટનાની જાણ શહેર પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ આવી પહોંચી હતી અને પિનાકીનભાઈની ફરિયાદને આધારે ગુનો દાખલ કર્યો હતો.