આણંદ : ભરઉનાળે કમોસમી વરસાદથી ભાદરવી માહોલ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
આણંદ સહિત જિલ્લામાં એક દિવસના વિરામ બાદ આજે સવારથી પુન: કમોસમી વરસાદ શરુ થયો હતો. તમામ તાલુકાઓમાં આજે માવઠાંની અસર જોવા મળી હતી. સવારે ૬થી બપોરે ર વાગ્યા સુધીમાં ખંભાતમાં સૌથી વધુ ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે બોરસદ-તારાપુરમાં ર ઇંચ, ઉમરેઠમાં સવા ઇંચ, સોજીત્રા-પેટલાદમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે આંકલાવમાં સૌથી ઓછો આશરે અડધા ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે ખાબકેલા માવઠાંના કારણે મકાનોના છાપરાં ઉડી જવા પામ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી નુસાર આજે સતત ત્રીજા દિવસે પણ હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જિલ્લાના આઠેય તાલુકાઓમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયો માહોલ જોવા મળ્યો હતો. જયારે અનેક વિસ્તારોમાં હળવા છાંટા સાથે માવઠાંએ વરસવાનું શરુ કર્યુ હતું. જો કે ગત સાંજે વાતાવરણમાં આવેલા પલટા બાદ અનેક વિસ્તારોમાં ૩પથી વધુ નાના, મોટા વૃક્ષો તૂટી પડયાના બનાવ સામે આવ્યા હતા.
આણંદ શહેર-તાલુકામાં આજે દોઢ ઇંચથી વધુ માવઠું વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભાલેજ ઓવરબ્રિજ પાસે ટુ વ્હીલર ડૂબી જાય તેટલા પાણી ભરાયા હતા. જયારે લોટિયા ભાગોળ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાઇ રહેતા સામાન્ય અવરજવરમાં લોકોને પરેશાની અનુભવવી પડી હતી. આ ઉપરાંત શહેરમાં અનેક સ્થળોએ વીજ પોલ તૂટી પડવાના કારણે પુરવઠો પૂર્વવત કરતા ચારથી છ કલાકનો સમય થયો હતો. શહેરમાં અનેક સ્થળોએ વરસાદના કારણે તૂટી પડેલ ડાળીઓ, વૃક્ષો હટાવવામાં ન આવ્યા હોવાનું જોવા મળે છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. લોકોને અસહ્ય ગરમી-બફારામાંથી મુકિત મળી છે. પરંતુ વૈશાખમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. તેમાંયે ખાસ કરીને ડાંગર, બાજરી અને શાકભાજીના પાકોને માવઠાંના કારણે થયેલ નુકસાની આર્થિક રીતે ચિંતા કરાવનારી બની રહેશેની ખેડૂતો ચિંતા વ્યકત કરી રહ્યા છેે.
ઇસનપુરમાં ગાય, ભાટપુરામાં ભેંસનું મૃત્યુ : ખંભાતમાં શેડ પડતા ભેંસ ઇજાગ્રસ્ત
આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ પડવાના કારણે વૃક્ષો પડી જવાના, ખેડૂતોના પાક સાથે પશુપાલકોના ઢોરને નુકસાન થયાના અહેવાલો જોવા મળે છે. જેમાં તારાપુર તાલુકાના ઇસનપુર ગામે એક ગાય અને ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામે એક ભેંસ મૃત્યુ પામી હતી. જેની પશુચિકિત્સા અધિકારી દ્વારા સ્થળ પર પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરીને લાભાર્થીને પશુમરણ સહાય મળે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત ખંભાતના ફતેપુરા દરવાજા વિસ્તારમાં ગાય પર શેડ પડવાથી ઇજા પહોંચતા ઘટના સ્થળે જ પશુ ચિકિત્સ અધિકારી દ્વારા સારવાર આપવામાં આવી હતી.
જિલ્લામાં ૬૦-૭૦ની ઝડપે પવન સાથે ભારે વરસાદની વકી: હવામાન વિભાગ
ભારતીય હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્ર દ્વારા જણાવાયું છે કે, આણંદ જિલ્લામાં ૬૦-૭૦ કિ.મી. ઝડપે પવન ફૂંકાવવાની સાથે સાથે ભારે વરસાદની સંભાવના વ્યકત કરવમાં આવી છે. આ આગાહીના પગલે કલેકટર પ્રવીણ ચૌધરીએ આણંદના નાગરિકોને સતર્ક રહેવા અને અનિવાર્ય કારણો સિવાય મુસાફરી ટાળવાની અપીલ કરી છે.
પાણીજન્ય-મચ્છરજન્ય રોગચાળા સામે તકેદારી જરુરી
આણંદ જિલ્લામાં માવઠાંના કારણે પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળો ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કલોરીનેશન, પાણી લીકેજ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. સાથોસાથ લોકોએ પણ પાણી ઉકાળીને પીવું,ગરમ અને તાજો ખોરાક ખાવો, કાદવ-કીચ્ચડ ન થાય તેનો ખ્યાલ રાખીને સાફસફાઇ કરવી સહિતની સાવચેતી જરુરી છે.