ઓપરેશન સિંદૂર 2.0ની તૈયારી? NSA અજિત ડોભાલ PM મોદીની મુલાકાતે
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક વડાપ્રધાન નિવાસસ્થાને યોજાઈ હતી જેમાં પાકિસ્તાન પર તાજેતરમાં કરવામાં આવેલી ઓપરેશન સિંદૂરની લશ્કરી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડોભાલે પીએમ મોદીને સરહદ સુરક્ષા, આતંકવાદ વિરોધી પ્રયાસો અને ઓપરેશન સિંદૂરની વ્યૂહાત્મક સફળતા વિશે વિગતવાર માહિતી આપી. આ ઉપરાંત અજિત ડોભાલે પીએમ મોદી સાથે પાકિસ્તાન તરફથી સંભવિત પ્રતિક્રિયાઓ અને તેનો સામનો કરવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓની તૈયારીઓ પર પણ ચર્ચા કરી.
પાકિસ્તાન સામે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સર્વપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. જેમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકાર વતી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કિરેન રિજિજુ, જે.પી.નડ્ડા હાજર રહ્યા હતા. તમામ પક્ષના નેતાઓએ ભારતીય સેના અને કેન્દ્ર સરકારની કામગીરીને બિરદાવી વખાણ કર્યા હતા. જ્યારે વિપક્ષ તરફથી રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ ખડગે બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. એર સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે કે, ‘ન્યાય થયો, જય હિન્દ’.
ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.
પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઠેકાણાઓને નિશાને લીધા હતા.