વિદ્યાનગરમાં કેનેડા વર્ક પરમીટના બહાને 71 લાખની છેતરપીંડી
મુળ મુંબઈના પરંતુ હાલમાં નડીઆદ ખાતે રહેતા એક યુવાન, તેની પત્ની, સાળા અને પુત્રના કેનેડાના વિઝા અપાવી દેવાના બહાને જનતા ચોકડીએ કાર્યરત કાલીકા પ્રોજેક્ટ ઈન્ડિયા નામની ઓફિસ ધરાવતા એક જ પરિવારના ચાર સભ્યોએ ૭૧.૦૬ લાખની છેતરપીંડી કરતા આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ફરિયાદી મૌલીક રાજેશભાઈ શાહની પત્ની વર્ષાબેને ગત સપ્ટમ્બર-૨૦૨૩માં ત્રણ વર્ષના વર્ક પરમીટ વિઝા બાબતની કાલીકા પ્રોજેક્ટ ઈન્ડિયા નામની જાહેરાત જોઈને સંપર્ક કર્યો હતો.ત્યારબાદ તારીખ ૨૧-૯-૨૩ના રોજ મૌલીક, વર્ષાબેન અને સાળો સમીરકુમાર ભાનુભાઈ બારોટ જનતા ચોકડીએ આવેલા હબ કોમ્પલેક્ષમાં કાર્યરત કાલિકા પ્રોજેક્ટ ઈન્ડિયાની ઓફિસે ગયા હતા. જ્યાં કેનેડાના વર્ક પરમીટ વિઝાની વાત કરતા સુનિલ મદનલાલ શેઠીયા શાહ (મોગરી)એ વ્યક્તિદીઠ ૧૫ લાખ ખર્ચ થશેની વાત કરી હતી. ત્યારબાદ તારીખ ૬-૧૧-૨૩ના રોજ તેઓ સુનિલ શાહને તેની ઓફિસે મળતા ત્યાં તેની પત્ની મયુરીબેન,પુત્ર ધાર્મિકકુમાર અને પુત્રવધુ મોનિકાબેન હાજર હતા. તેઓએ કેનેડાની મોર્ગન કંસ્ટ્રક્શન એન્ડ એન્વાયરમેન્ટ લિ.નો ઓથોરીટી લેટર મળેલ છે અને કંપનીનો એચઆરનો ઓથોરીટીનો લેટર બતાવી તેના વીડિયો સહિતની વિગતો આપી હતી. જેથી ભરોસો બેસતા મૌલિક, પત્ની વર્ષાબેન તેમજ સાળા સમીરકુમારના વિઝા પ્રોસેસ કરવા માટે અલગ-અલગ તારીખે કુલ ૧૫ લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ ઓફર લેટર આવી ગયાનું જણાવીને બીજા પાંચ લાખ ઓનલાઈન લીઘા હતા.
ત્યારબાદ તારીખ ૨૬-૧૨-૨૩ના રોજ પુત્ર ધૈર્યના પણ ડીપેન્ડન્ડ વિઝાનું કામ ચાલુ રહે તે માટે પ્રોસેસ ફી પેટે ૪.૨૫ લાખની માંગતા આટીજીએસ મારફતે ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ વર્ક પરમીટ વિઝા માટેના ફોર્મમા સહીઓ કરાવીને ટુંક સમયમાં વીઝા આવી જશેનો ભરોસો આપ્યો હતો. તારીખ ૨૮-૧૨-૨૩ના રોજ મોર્ગન કંપનીનો ઈ-મેલ આવ્યો હતો જેમાં વિઝા પ્રોસેસ ચાલુ હોવાનું જણાવ્યું હતુ. તારીખ ૯-૧-૨૪ના રોજ ઈ-મેલ કરીને વિઝા અપ્લીકેશન મંજુર થયેલ હોવાનું જણાવ્યું હતુ. જેથી પીસીસીની વિધિ પતાવી હતી. તારીખ ૧૦-૧-૨૪ના રોજ સુનિલ શાહે વિઝાના કામ અર્થે દિલ્હી આવ્યો છુ, પ્રોસેસ ફી મોકલી આપો તેમ કહેતા બીજા પાંચ લાખ આરટીજીએસ મારફતે મોકલી આપ્યા હતા. ત્યારબાદ બીજા પાંચ લાખ મોકલી આપ્યા હતા. સુનિલભાઈએ વર્ક પરમીટ વિઝા લેટ થયા હોય, ઓગષ્ટ ૨૦૨૪માં વિઝા થઈ જશે તેમ મેઈલ આઈડી પરથી જણાવ્યું હતુ. કારણ પુછતાં કોઈ જવાબ આપ્યો નહોતો. જેથી સુનિલકુમારની ઓફિસે મળવા જતા વીઝીટર ટુ વર્ક પરમીટ વિઝા અપાવની દેવાની વાત કરીને ટુકડે-ટુકડે ૨૧.૪૦ લાખ પણ મેળવી લીઘા હતા. તેમ છતાં પણ વર્ક પરમીટ વિઝાની કાર્યવાહી ના થતાં કુલ આપેલા ૭૧.૦૬ લાખની પરત માંગણી કરતા કોઈ જવાબ આપ્યો નહોતો. તપાસ કરતા મોર્ગન કંપનીના ઓફર લેટરો, વીડિયો તથા ખોટા ઈમેલ આઈડી પરથી ખોટા ઈમેલ મોકલીને વ્યવસ્થિત રીતે છેતરપીંડી કરી હોવાનું ખુલવા પામતાં જ મૌલિકભાઈએ વિદ્યાનગર પોલીસ મથકે આવીને સુનિલ શાહ, તેની પત્ની મયુરીબેન, પુત્ર ધાર્મિક અને પુત્રવધુ મોનિકાબેન વિરૂદ્ઘ ફરિયાદ આપી હતી.