ઓપરેશન સિંદૂરના કારણે ખંભાત દરિયાકાંઠે કડક સુરક્ષા વ્યવસ્થા
પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલા બાદ ભારતે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે ઓપરેશન સિંદૂર હાથ ઘરીને પાકિસ્તાનના આંતકી ઠેકાણાઓ ઉપર કરેલી મીસાઈલ સ્ટ્રાઈકને લઈને બન્ને દેશો વચ્ચે વધેલી તંગદીલી વચ્ચે સમગ્ર ભારતભરમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે આણંદ જિલ્લાના ખંભાતના દરિયાકાંઠે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે કરાયેલી એર સ્ટ્રાઈક બાદ ભારત સરકાર દ્વારા સુરક્ષા અને સલામતીના તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. જો યુધ્ધ થાય તો તેની તકેદારીના ભાગરૂપે મોક ડ્રીલો પણ કરાઈ રહી છે. ત્યારે પાકિસ્તાનને જોડતી ગુજરાતની સરહદ ખાસ કરીને દરિયાકાંઠે સઘન તકેદારી રખાઈ રહી છે.જેના ભાગરૂપે ખંભાતના દરિયાકાંઠે આવેલી વીરસદ ખંભાત શહેર અને ખંભાત રૂરલના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખંભાતના ડીવાયએસપી એસ. બી. કુંપાવતના જણાવ્યા અનુસાર ખંભાતના દરિયાકાંઠે કોસ્ટલ ગાર્ડ નહીં હોવાને કારણે દરિયાકાંઠે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દઈને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
માછીમારોને પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ નજરે પડે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવાની પણ તાકીદ કરી દેવામાં આવી છે.