વાસદમાં વિદેશી દારૂ સાથે બર્ગમેન પકડી પાડ્યો, ૯૦ ક્વાર્ટર સાથે ચાલક ઝડપાયો
વાસદ પોલીસે આજે સાંજના સુમારે સ્વામીનારાયણ મંદિર પાસેથી વડોદરા જિલ્લાના મોક્સી ગામના બર્ગમેન ચાલકને વિદેશી દારૂના ૯૦ ક્વાર્ટરીયા સાથે ઝડપી પાડીને તેના વિરૂદ્ઘ પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, એક ટુ વ્હીલર ઉપર શખ્સ વિદેશી દારૂનો જથ્થો લઈને આણંદ તરફ જનાર છે. જેથી પોલીસની ટીમ સત્યનારાયણ હોટલના નાળા પાસે વોચમાં હતી. દરમ્યાન એક નંબર પ્લેટ વગરના બર્ગમેન ઉપર એક શખ્સ ખભે થેલો ભરાવીને આવી પહોંચતા જ પોલીસે તેને રોકવા માટે હાથથી ઈશારો કર્યો હતો.
પરંતુ તેણે બર્ગમેન સ્વામીનારાયણ મંદિર તરફ ભગાવી મુક્યું હતુ. પોલીસે પીછો કરતા જ શખ્સે બર્ગમેન ઉભુ કરી દઈને નજીકમાં આવેલા તળાવમાં ઝંપલાવી દીધું હતુ. જેથી પોલીસે તેને બુમો પાડીને બહાર કાઢ્યો હતો અને નામઠામ પુછતાં તે વડોદરા જીલ્લાના મોક્સી ગામે રહેતો શૈલેષ બુધાભાઈ માળી હોવાનું જણાવ્યું હતુ. પોલીસે થેલામાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂના ૯૦ ક્વાર્ટરીયા મળી આવ્યા હતા. જેની કિંમત ૯ હજાર રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે તેને સારવાર માટે વાસદની સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપીને તેના વિરૂદ્ઘ પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.