મોડલ સોલાર વિલેજની દિશામાં આણંદ અટવાયું, યોજના અમલમાં ધીમી ગતિ
ગ્રામ પંચાયતોના વીજળી ખર્ચમાં બચત થાય અને જિલ્લામાં મોડલ સોલાર વિલેજ તરીકેની ઓળખ મેળવવા ગ્રામ પંચાયત દ્વારા પગલાં ભરવામાં આવે તે માટે પ્રોત્સાહિત કરતી પીએમ સૂર્યઘર યોજના (મફત વીજળી યોજના)ની આણંદ જિલ્લામાં હજી પાશેરામાં પૂણીની સ્થિતિ જોવા મળી રહી છે.
આણંદ જિલ્લામાં પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત મોડલ સોલાર વિલેજ માટે ર.૬૦ કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે. જે અંતર્ગત પીએમ સૂર્યઘર યોજના માટે ગામોનું નામાંકન, સોલાર વિલેજ સ્પર્ધાનું આયોજન, મૂલ્યાંકન સહિતની બાબતે જિલ્લા તંત્ર દ્વારા નકકર આયોજન હાથ ધરાયું નથી. યોજનાના પ્રારંભિક તબકકામાં તાલુકાવાઇઝ કેટલા ગામોનો સમાવેશ કરવો તે અંગે પણ માપદંડ સાથે આયોજન કરાયું નથી.
બીજી તરફ રાજયના મોટાભાગના જિલ્લાઓમાં તાલુકાવાઇઝ ગામોની પસંદગી, યોજનાની સ્પર્ધામાં જોડાવવા માટે ગામોની સંમતિ સહિતની પ્રકિયા પૂર્ણતાના આરે હોવાનું જાણવા મળે છે. આણંદ જિલ્લામાં યોજના અંતર્ગત તબકકાવાઇઝ કામગીરીનું આયોજન ન કરાયાની સ્થિતિ છે, તેથી ગામડાઓને મફત વીજળી મળે તે માટેની યોજના સાચા અર્થમાં કયારે પ્રસ્થાપિત થઇ શકશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. જો કે સરકારી કચેરીઓમાં સૂર્ય ઘર યોજના હેઠળ સોલર પેનલ લગાવવામાં આવી રહી છે. ત્યારે ગામોમાં પણ આ યોજનાનો લાભ મળે તે માટે જિલ્લા પંચાયત દ્વારા મોડલ સોલર વિલેજ ગામોની સ્પર્ધા માટે પસંદગીની પ્રકિયા સત્વરે હાથ ધરે તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.