દહી-છાશના વેચાણમાં વધારો, ચરોતરવાસીઓ તડકાથી બચવા દેશી માર્ગે
આણંદ જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી ગરમીનો પારો ૪૦ પ્લસ પહોંચતા આબાલ-વૃદ્વ સૌ કોઇ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શહેરોના બજારોમાં બપોરના સમયે સ્વયંભૂ કરફયૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કામસર બહાર નીકળનારાઓ ધગધગતા તડકાથી રક્ષણ માટે સજજ હોવાનું જોવા મળે છે. આકરી ગરમીના કારણે હિટ સ્ટ્રોક અને ડીહાઇટ્રેશનના કેસ વધુ જોવા મળતા હોય છે. જેનાથી બચવા માટે ચરોતરમાં મોટાભાગે હાથવગા ઉપાય તરીકે દહીં અને છાશનું વિશેષ સેવન કરવામાં આવે છે. વધતી જતી ગરમી સામે રક્ષણ માટે દહી-છાશની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.