આણંદ જિલ્લામાં ૧૫૯ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓની તૈયારી તેજ
છેલ્લા સવા બે વર્ષના અંદાજી સમયથી આણંદ જિલ્લાની ૧૫૯ ગ્રામ પંચાયતોની શાસનધૂરા વહીવટદારને સોંપવામાં આવી છે. ચૂંટાયેલી બોડી ન હોવાના કારણે ગ્રામ પંચાયતોના અનેક વિકાસ કામો ખોરંભે મૂકાયાનું કે નવા કામો અંગે કોઇ તંદુરસ્ત ચર્ચા ન થઇ શકવાથી ગ્રામજનો સુવિધાથી વંચિત હોવાનું ચિત્ર ઉદ્દભવી રહ્યું છે. જો કે રાજયભરના જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ હોવા અંગે તાજેતરમાં ગાંધીનગર ખાતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
જેના નિષ્કર્ષરુપે આગામી મે માસમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશેની ધારણા પ્રબળ બની છે. જેમાં ખાસ કરીને વહીવટદારનું શાસન હોય તેવી ગ્રામ પંચાયતોને કેન્દ્રસ્થાને રાખીને ત્યાં આગામી મહિના સુધીમાં ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્વ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહ્યાનું પણ જાણવા મળે છે.
રાજય ચૂંટણી પંચના નિર્દેશનુસાર આણંદ જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા જે-તે ગ્રામ પંચાયતના બુથ મથકો, મતદાર યાદી સહિતની ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લાની ૧પ૯ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી સહિત ૬ ગ્રામ પંચાયતોમાં સરપંચ-વોર્ડની પેટા ચૂંટણીઓ પણ જાહેર થશે. જેમાં આણંદ તાલુકાની ૧૭, ઉમરેઠની ૧ર, બોરસદ ર૩, આંકલાવ ૧૯, પેટલાદ ૩૩, સોજીત્રા ૧૬, ખંભાત ર૦ અને તારાપુર તાલુકાની ૧૯ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.
આણંદ જિલ્લામાં કુલ ૧૬પ ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન હોવાની સાથે અગાઉ સુપરસીડ કરાયેલ બોરસદ અને સોજીત્રા પાલિકામાં પણ વહીવટદાર સત્તા સંભાળી રહ્યા છે. જયારે ઉમરેઠ, પેટલાદ અને ખંભાત પાલિકાની આગામી ડિસેમ્બરમાં મુદ્દત પૂર્ણ થનાર હોવાના અંદાજ સાથે આ તમામ પાંચ પાલિકાઓની ડિસેમ્બરના અંતમાં ચૂંટણી યોજાશેની ધારણા વ્યકત કરવામાં આવી રહી છે.