રોકડિયા અને લાંભવેલ હનુમાનજી મંદિરે વહેલી સવારથી ભક્તોની ભીડ, મારુતિ યજ્ઞ-સુંદરકાંડના પાઠ યોજાયા
આણંદ શહેર અને જિલ્લાભરમાં આજે હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા હનુમાનજી મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદના પ્રસિદ્ધ રોકડિયા હનુમાનજી મંદિર અને લાંભવેલ સ્થિત હનુમાનજી મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. રોકડિયા હનુમાનજી મંદિરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિરમાં અન્નકૂટ દર્શન અને પુષ્પ અભિષેકનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભક્તોએ આ દિવ્ય કાર્યક્રમોમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. પરંપરા મુજબ, દર્શન માટે આવેલા તમામ ભક્તોને બુંદીનો પ્રસાદ અને ખમણનો નાસ્તો આપવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન સુંદરકાંડ, બજરંગ બાણના પાઠ અને હનુમાન ચાલીસા જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સમગ્ર જિલ્લામાં હનુમાન જયંતિની ઉજવણી ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહભેર કરવામાં આવી હતી.