પૂરતું પાણી પીવો, ઓ.આર.એસ., છાશ, લીંબૂ પાણીનો ઉપયોગ મહત્તમ રાખો
આણંદ, બુધવાર:
આ વર્ષે ઉનાળાની શરૂઆતથી જ તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. જેને પગલે હિટ સ્ટ્રોક (લૂ લાગવી)ના કેસો જોવા મળી રહ્યા છે. યોગ્ય સમયસર સારવાર ન મળવા પર લૂ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
શરીર પર અસર અને લક્ષણો:
હિટ સ્ટ્રોકના કેસમાં શરીરનું તાપમાન ગંભીર રીતે વધી જાય છે. પરસેવો થવાથી પ્રવાહી નીકળી જાય છે અને શરીર ઠંડું રહી શકતું નથી. જેના પરિણામે અસહ્ય દુઃખાવો, તરસ, ગભરામણ, ચક્કર, ઉબકા, તાવ અને બેચેની જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.
જિલ્લામાં તાકીદની વ્યવસ્થા:
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, આણંદ સિવિલ હોસ્પિટલ, પેટલાદ હોસ્પિટલ તથા 14 સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે હિટ સ્ટ્રોકની સારવાર માટે ખાસ વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબસેન્ટર પર તાકીદની સારવાર માટે આરોગ્ય કર્મચારીઓને તાલીમ અપાઈ છે.
બચાવ માટેના સૂચનો:
બપોરના તડકામાં બહાર જવાનું ટાળવું
સુતરાઉ અને ખુલ્લાં કપડાં પહેરવા
સતત પાણી, છાશ, લીંબુ શરબત કે ઓ.આર.એસ.નું સેવન
માથું ભીના કપડાથી ઢાંકી રાખવું
બાળક, વૃદ્ધ, સગર્ભા માતાઓએ તડકામાં ફરવું નહી
ભુખ્યા ન રહેવું – સમયસર ખોરાક લેવું
અચાનક તાવ, ઉબકા, બેચેની લાગે તો નજીકના દવાખાને તુરંત જવું
ઓ.આર.એસ. – હીટ સ્ટ્રોક માટે રક્ષણકવચ:
આશા બહેનો તથા દરેક આરોગ્ય કેન્દ્ર પર ઓ.આર.એસ. પાઉચ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. 1 લીટર પીવાના પાણીમાં 1 પાઉચ ઓગાળી દિવસમાં વારંવાર તેનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ થતી અટકાવી શકાય છે.
જાહેર જનતાને અનુરોધ:
દરેકે પોતાનું અને પરિવારજનોનું સ્વાસ્થ્ય જાળવવા ઉપરોક્ત તકેદારીઓ જાળવવી જોઈએ. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને કોમોરબિડિટીઝ ધરાવતા લોકોને બપોરના સમયગાળામાં ઘરની બહાર ન જવા અને તાત્કાલિક તબિબી સલાહ લેવા અપીલ કરવામાં આવે છે.