આણંદમાં એસ.ટી. બસનો સુરક્ષા મુદ્દો: ડ્રાયવરે ભાડૂતી વ્યક્તિને આપી બસ હંકારવાનો હક?
વર્તમાન આધુનિક સમયમાં મુસાફરી માટેના અનેક વિકલ્પો હોવા છતાંયે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ એસ.ટી.બસમાં મુસાફરી કરતો મોટો વર્ગ વસવાટ કરે છે. તેમાંયે ગામમાંથી શહેરમાં શાળા-કોલેજના વિદ્યાર્થી, નોકરીયાતો, વેપારીઓ સહિતના મુસાફરો રોજીંદી બસમાં અવરજવર કરતા હોય છે. બીજી તરફ સરકારના અન્ય વિભાગોની જેમ એસ.ટી.બસના કાયમી ડ્રાયવરોને ઉચ્ચત્તમ પગાર ધોરણ સહિતના આર્થિક લાભ મળતા હોય છે. જયારે ડ્રાયવરની નિવૃતિની વય મર્યાદા પ૮ વર્ષની છે.
આણંદ, ખેડા જિલ્લામાં એસ.ટી.નિગમના કુલ ૧૧ ડેપો આવેલા છે. જેમાં નડિયાદ, ડાકોર, બાલાસિનોર, કપડવંજ, મહુધા, ખેડા, માતર, ખંભાત, પેટલાદ, બોરસદ અને આણંદનો સમાવેશ થાય છે.
બસના ડ્રાયવર તરીકેં લાંબી નોકરી કરનારને પ૦થી ૬પ હજાર સુધીનું માસિક વેતન મળતું હોય છે. પરંતુ ઉચ્ચ પગાર મેળવતા કેટલાક ડ્રાયવરો દ્વારા મહિને ૧૦થી ૧ર હજાર રુપિયામાં પોતાની જગ્યાએ ભાડૂતી ડ્રાયવરને બસનું સ્ટેયરીંગ સોંપીને પોતે આરામ ફરમાવતા હોવાના કિસ્સા સાંભળવા મળી રહ્યા છે. ખરેખર આ બાબત બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે કયારેક જીવલેણ સાબિત થઇ શકે છે. પરંતુ બસના ડ્રાયવરોની રૂટ પર વાસ્તવિક તપાસની કોઇ સીસ્ટમ જ ન હોવાથી કેટલાક તેનો બખૂબી ગેરલાભ ઉઠાવી રહ્યા છે. નોંધનીય છે કે, બસમાં મુસાફરી કરતા મુસાફરોએ યોગ્ય ટિકીટ લીધી છે કે નહીં તેની ચકાસણી માટે નિગમ દ્વારા સ્કવોર્ડની રચના કરવામાં આવી છે.
આ ટીમ જે-તે બસ ડેપોમાં આવતી બસોને થોભાવીને તેમાંથી ઉતરતા મુસાફરો પાસે પાસ-ટિકીટની ચકાસણી કરતી હોય છે. જેમાં યોગ્ય ટિકીટ ન હોવા મામલે મુસાફરને દંડ સહિત કંડકટર સામે પણ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.પરંતુ બસના ચાલકની સત્યતા અંગેની કોઇ સીસ્ટમ ન હોવાનું જોવા મળે છે. મોટાભાગે ડ્રાયવર-કંડકટરની ડયુટી પૂરી થાય ત્યારે જે તે બસ ડેપોએ તેમના બદલે નવા કર્મચારી જોડાતા હોય છે. આ તકનો લાભ કેટલાક તકવાદી ડ્રાયવરો ઉઠાવીને પોતાની જગ્યાએ પોતે રાખેલ ભાડુતી વ્યકિતને બસનું સુકાન સોંપે છે.
નિગમ દ્વારા પણ બસને હંકારનાર ખરેખર નિયમોનુસાર નિગમ દ્વારા જ નિયુકત ડ્રાયવર છે કે કેમ તેની તપાસ માટે કોઇ વ્યવસ્થા જ કરવામાં આવી નથી. એસ.ટી.તંત્ર દ્વારા જે-તે બસ લઇને નીકળતા ડ્રાયવરની સત્યતાની ખરાઇ માટે આયોજન કરાય તો ભાડુતી લોકોના હાથમાં મુસાફરોનું જીવન મૂકવાના આ ષડયંત્રને દૂર કરી શકાય. જેમાં શિડયુલમાં આવતા તમામ બસ મથકે બસ પ્રવેશે ત્યારે બસચાલકના થમ્બ અથવા ફેઇશ ઇમ્પ્રેશન લેવાની સીસ્ટમ હોવી જોઇએ. સાથોસાથ તુરંત જ મુખ્ય કચેરીએ આ ઇમ્પ્રેશનની ચકાસણી કરીને નિયત ડ્રાયવર જ છે કે કેમ તેની ત્વરિત જે-તે ડેપોએ સૂચના આપી દેવી જોઇએ.
આણંદ ડેપોમાં કુલ ૧૮ર ડ્રાયવર-કંડકટરનું મહેકમ છે. પરંતુ તેમાંથી લાંબા સમયથી ૩ર ડ્રાયવર અને ૧૭ કંડકટરની ઘટ છે. જેના કારણે અનેક રૂટ સમયાંતરે રદ થવાની સાથે કેટલાકને ડબલ ડયુટી પણ સોંપવામાં આવે છે. ઘટની સીસ્ટમમાં શીડયુલ રદ થાય તો મુસાફરો હોબાળો મચાવતા હોય છે. આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને પણ કેટલાક ડ્રાયવર પોતાના ડુપ્લીકેટને આબાદ રીતે ગોઠવી દઇને રુટ પૂરો કરાવતા હોય છે.
આણંદ ડેપોમાંથી રોજીંદા ૮ર શિડયુલમાં બસો દોડાવવામાં આવે છે. જેમાં રપ એકસપ્રેસ, ૪૧ લોકલ, પ ગુર્જર નગરી, ૪ મીની બસ, ૪ સ્લીપર અને ર લકઝરી બસનો સમાવેશ થાય છે.
આણંદ બસ ડેપોના અધિકારિક સૂત્રોએ જણાવ્યું હતું કે, નિગમ દ્વારા ફરજ પર રખાયેલ કાયમી ડ્રાયવરે તેને સોંપેલ રૂટ-શિડયુલ મુજબ બસ દોડાવવાની હોય છે. પરંતુ પોતાની જગ્યાએ અન્ય વ્યકિત દ્વારા રૂટ ચલાવનાર ડ્રાયવર ઝડપાય તો તેને સત્વરે સસ્પેન્ડ કરવામાં આવે છે. ત્યારબાદ તેની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવે છે. જેમાં કસૂરવાર સામે નિગમના નિયમોનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.