હિટવેવ ધ્યાને લઇને પ્રા. અને માધ્યમિક શાળા સમયમાં 1 કલાકનો ઘટાડો કરાયો
ખેડા જિલ્લામાં સતત વધી રહેલા તાપમાનને લઈને શિક્ષણ વિભાગ દ્વારા શાળાના સમયમાં ફેરફારનો નિર્ણય કરવામાં આવ્યો છે. તંત્રએ તમામ શાળાઓનો સમય સવારે 7.00 થી 11:30 સુધીનો કરવાનો પરિપત્ર કર્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ ખેડા જિલ્લાની શાળાઓમાંથી બાળકોને બપોરે 12:30 થી 1.00 ની વચ્ચે છોડે છે. જેને કારણે બળબળતા તાપમાં બાળકોને ઘરે પરત ફરવાની સ્થિતિ ઊભી થાય છે.
જે બાબતને ધ્યાને લઈને તેમજ સતત વધી રહેલા ગરમીના પારાને પગલે શિક્ષણ વિભાગ દ્વારા શાળાનો સમય સવારે 7.00 થી 11:30 સુધીનો કરવા તમામ શાળાઓને તાકિદ કરાઈ છે. આ ઉપરાંત શાળાઓમાં પાણીની પૂરતી વ્યવસ્થા કરવા, ઓઆરએસ તેમજ ફર્સ્ટ એઇડ કીટ બાબતે પણ યોગ્ય વ્યવસ્થા કરવાની સૂચના શિક્ષણ વિભાગે શાળા સંચાલકોને આપી છે. પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન બાદ બાળકોને શાળામાં રોકી ન રાખવાની તાકીદ કરતો પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.