હાડગુડની મહિલા સરપંચને હેરાન પરેશાન કરીને વિકાસના કામોમાં ખંડણી માંગનાર શખ્સ સામે ફરિયાદ
આણંદ નજીક આવેલા હાડગુડ ગામની મહિલા સરપંચની પાસે વિકાસના કામોમાં ખંડણીની માંગણી કરીને આરટીઆઈ અરજીઓ કરી હેરાન પરેશાન કરનાર ગામના જ શખ્સ વિરૂદ્ઘ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
ફરિયાદી હસીનાબાનુ આરીફઅલી સૈયદ છેલ્લા ત્રણેક વર્ષથી હાડગુડ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે. તેણી જ્યારે પણ ઓફિસે જાય ત્યારે ગામનો માથાભારે અને પાન-મસાલાનો ગલ્લો ચલાવતો તૌસીફઅલી ઉર્ફે તોલો મૈયુદ્દીન સૈયદ ઓફિસમાં આવીને કયા-કયા વિકાસના કામો ચાલુ છે, કોના દ્વારા કામ કરાવવામાં આવે છે.કેવું મટીરીયલ્સ વાપરવામાં આવે છે તેનાજવાબો આપો તેમ જણાવીને હેરાનગતિ કરવાનું ચાલુ કરી દીધું હતુ. હસીનાબાનુ વિકાસના કામો ચાલતા હોય ત્યાં મુલાકાતે જાય ત્યારે તૌસીફઅલી પણ પાછળ-પાછળ ત્યાં પહોંચી જતો હતો અને મજુરો તેમજ કોન્ટ્રાકટરો સાથે ખોટી માથાકુટ કરીને કામો અટકાવી દેતો હતો. સરપંચનો રસ્તો અવરોધીને પંચાયતના હિસાબોની માંગણી કરી ટકાવારી માંગતો હતો.
ગત તારીખ ૧૦-૩-૨૫ના રોજ હાડગુડ ખાતે તળાવ ઉપર માટીનું કામ ચાલતુ હતુ ત્યારે તે ત્યાં આવી પહોંચ્યો હતો અને ગમે તેમ બોલીને કેમ ખોદકામ કરો છો તેમ જણાવીને કોન્ટ્રાક્ટર તેમજ મુન્ના ભરવાડ પાસે પૈસાની માંગણી કરીને તકરાર કરી હતી. થોડા સમય પહેલા રમઝાન ઈદ હોય ૨૫મી માર્ચના રોજ તળાવ ઉપર એક કરોડ રૂપિયાની માટી વેચી છે તો મને પણ ઈદ કરાવવી પડશે, જો કાંઈ નહીં આપે તો તને તથા તારા પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી. ૫મી એપ્રીલના રોજ પણ દંપત્તિ સાથે બોલાચાલી કરી હતી.
તૌસીફઅલી હેરાન પરેશાન કરતો હોય, તેણી પોતાના પતિ આરીફઅલી સાથે પંચાયતની ઓફિસે જતી હોય તેણીનો પતિ ગ્રામ પંચાયતનો વહિવટ કરતો હોવાની ખોટી વાતો ગામમાં ઉડાડી હતી. આટલું ઓછુ હોય તેમ આરટીઆઈ અરજીઓ કરીને માહિતીઓ માંગીને હેરાન પરેશાન કરી મુકતા આખરે તેણીએ આણંદ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી. સુત્રોના જણવ્યા અનુસાર તૌસીફઅલી ઉર્ફે તોલોને અગાઉ હત્યાના પ્રયાસના ગુનામાં ત્રણ વર્ષની કેદની પણ સજા થવા પામી હતી.