ગુજરાતમાં ગુલિયન બેરી સિન્ડ્રોમ વાયરસે એકનો જીવ લીધો, વિધાર્થી બન્યો હતો ભોગ
ગુલીયન બાર સિન્ડ્રોમ વાયરસે વિદ્યાર્થીનો જીવ લીધો છે. બહુચરજીના વિદ્યાર્થીને ગુલીયનબાર સિન્ડ્રોમ વાયરસ ડિટેકટ થયો હતો. બહુચરાજીમાં હરગોવનપુરા વિસ્તારમાં રહેતો 17 વર્ષીય દિવાકર અવધેસ ઝા નામનો વિધાર્થી GBS વાયરસનો ભોગ બન્યો હતો. મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા બે અઠવાડિયાથી યુવક સારવાર હેઠળ હતો..
યુવકને પરિવાર સાથે કાઠિયાવાડના પ્રવાસ બાદ એક પગમાં સખત દુખાવો શરૂ થયો હતો, અને તપાસ બાદ તેને ગુલીયન બાર સિન્ડ્રોમ વાયરસ ડિટેક્ટ થયો હતો. 17 વર્ષીય યુવકના મોતથી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. આ ઘટનાબાદ બહુચરાજી આરોગ્ય વિભાગ રહી રહીને એક્શનમાં આવ્યું છે, આરોગ્ય વિભાગ દ્વારા હવે સર્વેની કામગીરી હાથ ધરાશે.
જીબીએસ બિમારી વાયરસના કારણે થતી ઑટૉઇમ્યૂન ડિસઑર્ડરની બિમારી છે. જેમાં આખા શરીરના સ્નાયુઓ નબળા પડી જાય છે. સ્વચ્છતા નહીં રાખતા કે સતત ઝાડા-ઊલટી થતી હોય તેવા સંજોગોમાં થઈ શકે છે. આ રોગમાં દર્દીને ચાલવામાં તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ ઉપરાંત શરીરની રોગપ્રતિકારક શક્તિ તંદુરસ્ત ચેતા પર હુમલો કરે છે, જેથી લકવાની અસર પણ થઈ શકે છે. જો, સમયસર સારવાર કરવામાં ન આવે તો દર્દીના જીવ સામે જોખમ ઉભુ થાય છે.