કોઇ પણ શ્રમિક બપોરે 12 થી 4 માં ખુલ્લામાં કામ ન કરે તે : જિલ્લા કલેક્ટર
ગરમીના વધી રહેલાં પારાને લઇને હીટ વેવની અસર પણ વર્તાવા લાગી છે. ત્યારે 41 ડિગ્રી તાપમાનમાં જાહેર સ્થળોએ અને કચેરીઓમાં પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે કોઇ પણ શ્રમિક બપોરે 12 થી 4 માં ખુલ્લામાં કામ ન કરે તે સુનિશ્ચિત કરવાની તાકિદ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે.
હિટવેવ તકેદારીની બેઠકમાં સરકારી કચેરીઓમાં પીવાના પાણીના વોટર કુલર કાર્યરત રાખવા, તેની નિયમિત સફાઈ અને જરૂર જણાય તો વૈકલ્પિક પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ રાખવા ઉપરાંત જિલ્લાના વિદ્યાર્થીઓ, મુસાફરો, શ્રમિકો અને દર્શન માટે આવતાં શ્રદ્ધાળુઓને હીટવેવની નકારાત્મક અસરથી બચાવવા માટે તકેદારીના સવિશેષ પગલાંઓ લેવાની તાકિદ કરાઈ હતી. તેમણે જિલ્લામાં પીવાના પાણીના સંદર્ભમાં કોઈપણ ફરિયાદ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ અધિકારીઓને સૂચના આપી હતી.
આ ઉપરાંત ગરમીની સિઝનને ધ્યાને લઇ પરવાનગી વિના કોઈપણ રહેણાંક વિસ્તારની બિલ્ડિંગ કે મકાનમાં જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ ન થાય સાથે જ હીટવેવ સંદર્ભમાં શું કરવું અને શું ન કરવું તે બાબતની માહિતી આપતાં હોર્ડિંગ્સ ખાસ કરીને ગ્રામ પંચાયતો અને ડેરી સહિતના સ્થળોએ લગાવી લોકોને જાગૃત કરવા સૂચન કર્યું હતું. એસ.ટી બસોમાં પીવાના પાણીની વ્યવસ્થા રાખવા, જાહેર સ્થળો પર પાણીની પરબો બનાવવા તાકીદ કરાઈ છે.