નડિયાદ તરફના લેનમાં અમદાવાદ દર્શાવતી ભૂલ! વાહનચાલકોમાં અસમંજસ
નડિયાદ : ખાત્રજ ચોકડીથી નડિયાદ તરફ વરસોલા ગામ પાસે રોડ ઉપર રાજ્ય માર્ગ અને મકાન વિભાગે અમદાવાદ દર્શાવીને ભાંગરો વાટયો છે.
માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગે ખાત્રજ ચોકડીથી નડિયાદ તરફના રોડ પર એક મોટી ભૂલ કરી છે. વરસોલા ગામ પાસેથી પસાર થતા આ સ્ટેટ વિભાગના રોડ પર નડિયાદ તરફના લેન પર શહેરોની દિશા દર્શાવતું બોર્ડ મારવામાં આવ્યું છે. આ બોર્ડમાં ઉપર પહેલા અમદાવાદ ૪૦ કિલોમીટર, નડિયાદ ૧૧ કિલોમીટર અને વરસોલા ૧ કિલોમીટર એમ દર્શાવ્યું છે. જો કે, જે લેનમાં બોર્ડ માર્યુ છે, તે લેનમાં નડિયાદ, આણંદ અને વડોદરા તરફની દિશા દર્શાવવાની બદલે, ભૂલથી અમદાવાદ દર્શાવી અને ૪૦ કિલોમીટર લખી દીધુ છે. માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગે આ ભાંગરો વાટતા વાહન ચાલકો ગેરમાર્ગે દોરવાવા સાથે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.