નડિયાદ: ઝઘડો છોડાવવા ગયેલા 3 યુવાનો પર ચપ્પાથી હુમલો
નડિયાદ અમદાવાદી દરવાજા બહાર કૃષ્ણજીવન સોસાયટી પાસે ગઈકાલે મધરાતના સમયે ઝઘડતા બે યુવકોને છોડાવવા વચ્ચે પડેલ ત્રણ યુવકો પર ઝઘડતા યુવકે ચપ્પા વડે હૂમલો કરી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. ઈજા પામનાર ત્રણ પૈકી એકને ગંભીર ઈજા પહોંચી હોય વધુ સારવાર અર્થ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર નડિયાદ અમદાવાદ દરવાજા બહાર વિસ્તારમાં આવેલ ગોટાવાલા ગેરેજ પાસે એલ મહંમદી એપાર્ટમેન્ટ સામે કૃષ્ણજીવન સોસાયટીના કોટ નજીક ગઈકાલે મધરાતના મોઈન મૂનીર મલેક (હાલ રહે. મલારપુરા,નડિયાદ, મુળ રહે. સીંધી ચાલી, અમદાવાદી દરવાજા બહાર) અને અનસ ઉર્ફે ચીડી સાબીર કુરેશી (રહે. હિન્દી સ્કૂલ પાસે, ન્યુ શોરોક ગ્રાઉન્ડ પાસે, નડિયાદ) વચ્ચે ઝઘડો થયો હતો. જેની જાણ થતા મોઈનનો ભાઈ મુસ્તકીમ મુનીર મલેક અને તેના નડિયાદ ભોજા તલાવડી વિસ્તારમાં આવેલ ફૈજાન પાર્કમાં રહેતા તેના બે મિત્રો આમીરખાન જાવેદખાન પઠાણ (ઉં.વ.૨૭) અને હૈદર પઠાણ ત્યાં દોડી ગયા હતા.
દરમ્યાન ત્રણેય મિત્રોએ ઝઘડતા બંનેને અટકાવ્યા હતા. સાથે મુસ્તકિમે તાર મારા ભાઈ સાથે ફરવાનું નહીં અને તારા લીધે મારો ભાઈ મોડી રાત સુધી ઘરે આવતો નથી અને તું જ એને બગાડે છે અને પાછો તેની સાથે ઝઘડો કરે છે તેમ કહી અનસ ઉર્ફે ચીડીને ઠપકો આપ્યો હતો. જેને લઈ ઉશ્કેરાયેલ અનસ ઉર્ફે ચીડીએ બિભત્સ ગાળો બોલી મુસ્તકીમને લાફો મારી દીધો હતો. જેથી ઝઘડો વધુ વકરે નહીં તે માટે આમિર પઠાણ અને હૈદર પઠાણે મધ્યસ્થી કરી હતી. જેને લઈ વધુ ઉશ્કેરાયેલ અનસ ઉર્ફે ચીડીએ આમિર પઠાણને ડાબા હાથની કોણી પર બચકું ભરી લીધું હતું. સાથે તેણે ખિસ્સામાંથી ચપ્પુ કાઢતા આમિર પઠાણે તેને પકડી લીધો હતો. બાદ બંને વચ્ચે ખેંચાખેંચ થતા અનસ ઉર્ફે ચીડી અને આમિર પઠાણ જમીન પર પડ્યા હતા. આ દરમ્યાન અનસ ઉર્ફે ચીડીના હાથમાનું ચપ્પુ આમિર પઠાણના જમણા હાથની અને ડાબા હાથની એક એક આંગળી પર વાગ્યું હતું. દરમ્યાન આમિર પઠાણના હાથમાંથી અનસ ઉર્ફે ચીડી છૂટતા તેણે હાથમાંના ચપ્પાની ઘા આમિર પઠાણના બરડાના ભાગે ઝીંકી દેતા તે લાહીલુહાણ થયો હતો. આમીર પઠાણે બૂમાબમ કરતા આજુબાજુના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા. આ સમયે અનસ ઉર્ફે ચીડી બિભત્સ ગાળો તું ઉભો રહે આજે તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ચાકુ લઈ મારવા પાછળ પડતા આમિર પઠાણ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બાદ અનસ ઉર્ફે ચીડીએ મુસ્તકીમને પણ પેટના ભાગે ચપ્પાના જોરદાર ઘા ઝીંકી દીધો હતો. જેને લઈ તે ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. ઉપરાંત તેણે એકઠા થયેલ લોકોના ટોળા સામે પણ ચપ્પુ વિંઝીને ધમકીઓ આપી હતી. બાદ હૂમલામાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલ મુસ્તકીમ અને આમિર પઠાણને સારવાર અર્થ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી ગંભીર ઈજાગ્રસ્ત મુસ્તકીમને વધુ સારવાર અર્થ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નડિયાદ શહેર શહેર પોલીસે આ અંગે અનસ ઉર્ફે ચીડી વિરૂદ્ઘ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.