ખેડા જિલ્લામાં અકસ્માતના ચાર બનાવમાં એકનું મોત, છને ઈજા
નડિયાદ: ખેડા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અકસ્માતના ચાર બનાવ બન્યા હતા. જેમાં કાજીપુરા હાઇવે ક્રોસ કરતા યુવકનું ગાડીએ ટક્કર મારતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ અકસ્માતના બનાવમાં ૬ વ્યક્તિને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખેડા તાલુકાના કાજીપુરામાં રહેતા ઘનશ્યામભાઈ શંભુભાઈ ઠાકોર બુધવારે રાત્રે હાઇવે પર આવેલી હોટલ પિયુષ બાજુથી રોડ ક્રોસ કરી જઈ રહ્યો હતો. ત્યારે ખેડાથી અમદાવાદ તરફ જતી ગાડીએ ટક્કર મારતા ઘનશ્યામભાઈ ઠાકોર (ઉં.વ.૨૫)ને રોડ ઉપર પટકાતા ગંભીર ઇજા થઈ હતી. જેથી ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા યુવકને તબીબે મૃત જાહેર કર્યો હતો. આવ્યો હતો. આ બનાવ અંગે શંકરભાઈ રતિલાલ ઠાકોરે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે બીજા બનાવમાં ખેડા તાલુકાના બરોડામાં રહેતા ભગવાનભાઈ ભીખાભાઈ મકવાણા કોળી પટેલ, સાળી પિનલબેન જલ્પેશભાઈ ધોળકિયા (રહે. સુરત) અને તેમના દીકરા જિયાંશને બાઈક પર લઈ વારસંગ જતા હતા. રઢુ પોલીસ ચોકી સામેથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે ખેડા તરફ જતી મોટરસાઈકલે પાછળથી ટક્કર મારતા ત્રણેય વ્યક્તિને ઈજા થઈ હતી. આ બનાવ અંગે ભગવાનભાઈ ભીખાભાઈ મકવાણાએ બાઈક ચાલક વિરૂદ્ધ ખેડા ટાઉન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. આ ઉપરાંત માતર તાલુકાના હૈજરાવાદ ગામના ચુનીભાઇ જયંતીભાઈ પટેલ મોપેડ લઈ સંધાણાથી હૈજરાવાદ જતા હતા. ત્યારે મોપેડ સાથે બાઈક અથડાતા ચુનીભાઇ પટેલને રોડ ઉપર પટકાતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ બનાવ અંગે પીનકેશ ચુનીભાઇ પટેલે માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જ્યારે માતર તાલુકાના ભલાડામાં રહેતા મહેન્દ્ર અરવિંદભાઈ સોલંકી તેમજ રાજન વિઠ્ઠલભાઈ સોલંકી પરીએજ હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા જતા હતા. ત્યારે સિંજીવાડા રોડ પર મંદિર પાસે ગાડીએ ટક્કર મારતા બંને ગટરમાં પડી જતા ઈજા થઈ હતી. જે અંગે અરવિંદ નરેન્દ્રભાઈ સોલંકીએ લીંબાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.