ઠાસરા શાળામાં આરોગ્ય તપાસ વિના રિપોર્ટ બનાવ્યાનો ભાંડો ફૂટ્યો, ૪ આરોગ્ય કર્મી સસ્પેન્ડ
શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી અભિયાન અંતર્ગત તાલુકાના સરકારી તબીબો દ્વારા શાળામાં જઇને કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ ઠાસરામાં એક શાળાની આરોગ્ય ચકાસણી કર્યા વિના જ કાગળ ઉપર રિપોર્ટ દર્શાવ્યાનો ભાંડો ફૂટવા પામ્યો છે. જેને લઇને તબીબ સહિત ૪ આરોગ્ય કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જાણવા મળ્યાનુસાર ઠાસરા તાલુકાના મગન ભુલાના મુવાડાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી ન હતી. દરમ્યાન ગત ર૭ માર્ચ શાળામાં ડોકટરની આવેલ ટીમને શિિક્ષકા દ્વારા શાળાના ધો.૧થી ૮માં અભ્યાસ કરતા ૧૧૬ વિદ્યાર્થીઓ પૈકી એકપણનું મેડીકલ ચેકઅપ ન થયાની ફરિયાદ કરી હતી. જેથી શાળાની વિઝીટે આવેલા તબીબે તાલુકાના આયુષ મેડીકલ ઓફિસર વસીમ શેખને આ બાબતે પૂછપરછ કરતા તેઓએ શાળાએ આવીને શિિક્ષકા સાથે શાળામાં ગેરવર્તૂણૂંક કરી હતી. સમગ્ર મામલે શાળાના આચાર્ય દ્વારા તાલુકાની અન્ય શાળાઓમાં તપાસ કરતા ત્યાં પણ વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી ન થયાનો ભાંડો ફૂટયો હતો. જેથી આચાર્યએ જિલ્લા આરોગ્ય અધિકારી ઉપરાંત ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરી હતી. જેથી આરબીએસકે યોજનાના આયુષ તબીબ ડો.વસીમ શેખ, ફાર્માસિસ્ટ રેનિસન વાઘેલા, ફિમેલ હેલ્થ વર્કર રોશન નીનામા અને ડો.સ્તુતિ જોશીને બરતરફ કરાયા છે.