નડિયાદમાં બંધ પડેલી સીટી બસ સેવા ફરી શરૂ કરાવવાની માંગ: પશ્ચિમ નાગરિક સમિતિની મહાનગરપાલિકામાં રજૂઆત
નડિયાદમાં છેલ્લા બે મહિનાથી બંધ પડેલી સીટી બસ સેવા ફરી શરૂ કરવાની માંગ સાથે પશ્ચિમ નાગરિક સમિતિએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે. ડેપ્યુટી કમિશનર રૂદ્રેશભાઈ હુદડને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે વર્ષ 2023માં રાજ્ય સરકારે ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ 32 બસોની મંજૂરી આપી હતી. સરકારે તમામ ખર્ચ ચાર હપ્તામાં ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
ડિસેમ્બર 2024ના છેલ્લા સપ્તાહમાં નડિયાદમાં પાંચ સીટી બસ શરૂ કરવામાં આવી હતી. રેલ્વે સ્ટેશન સામે હંગામી બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું હતું. પહેલી જાન્યુઆરી 2025ના રોજ નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી. પાર્સિગના અભાવે છેલ્લા બે મહિનાથી સીટી બસ સેવા બંધ કરવામાં આવી છે.
હાલમાં બે સીટી બસ બસ સ્ટેન્ડ પાસે ધૂળ ખાઈ રહી છે. આ સેવા બંધ થવાથી સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શટલમાં બમણું ભાડું ચૂકવવું પડે છે. સંસ્થાના પ્રમુખ નરેન્દ્ર નકુમે જણાવ્યું કે જો આવનારા દિવસોમાં આ લોકહિત સેવા શરૂ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.