આણંદ: મનપાની ટેકસ નીતિમાં ફેરફાર, પ્રોફેશનલ ટેકસ પર ભારપૂર્વક ધ્યાન કેન્દ્રિત
નગર પાલિકા કે કોર્પોરેશનની આવકના મુખ્ય સ્ત્રોતમાં વિવિધ નિયમોનુસાર જુદા જુદા ક્ષેત્ર પાસેથી વસૂલાતા ટેકસ છે. ટેકસ દ્વારા થતી આવક દ્વારા નવા આયોજનો અને વિકાસ કામો હાથ ધરાતા હોય છે. આણંદ મનપા બન્યા બાદ રહિશોને વાર્ષિક ટેકસમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ અન્ય ટેકસરુપે થતી આવક અને ખરેખર થવી જોઇતી આવક વચ્ચેનો ગાણિતીક સમીકરણો ગણવામાં આવી રહ્યા છે. જેમાં મનપાના એજન્ડામાં હાલ મુખ્ય ફોકસ પ્રોફેશનલ ટેકસ તરફે હોવાનું જોવા મળી રહ્યું છે.
અગાઉ આણંદ પાલિકાના સમયકાળમાં વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટેકસ)ની અંદાજે ૪ કરોડની વાર્ષિક વસૂલાત થતી હતી. પરંતુ મનપાના નાયબ મ્યુનિ. કમિશ્નર એસ.કે.ગરેવાલ સહિતની ટીમ દ્વારા કરાયેલ સર્વનુસાર પ્રોફેશનલ ટેકસમાં વાસ્તવિક રીતે સમાવિષ્ટ થાય તેવી અનેક સંસ્થાઓને ટેકસના દાયરામાં આવરી લેવામાં ન આવ્યાનું અથવા ટેકસ ભરપાઇ થતો ન હોવાનું જોવા મળ્યું હતું. જેથી હવે મનપા સીસ્ટમમાં વ્યવસાય વેરાના કલેવરને વિશેષ રીતે હેન્ડલ કરવામાં આવી રહ્યું છે. જેમાં અંદાજે ૪૦૦થી વધુ પ્રોફેશનલ ટેકસ વસૂલાત માટે નોટિસ ઇસ્યૂ કરવામાં આવી છે.
અધિકારિક સૂત્રોનુસાર વાર્ષિક ર.પ૦ લાખથી વધુ આવક ધરાવતા વેપારી-સંસ્થાએ વ્યવસાય વેરા નંબર મેળવવો પડે છે. જયારે આ વેરા હેઠળ વર્ગીકૃત કરાયેલ વ્યવસાયકારોએ નિયમોનુસાર રૂ.૧ હજારથી રપ૦૦ સુધીનો વાર્ષિક વેરો ભરપાઇ કરવાનો હોય છે. વધુમાં મોટી સંસ્થાઓમાં માસિક ૧ર હજારથી વધુ પગાર મેળવતા કર્મચારીઓનો માસિક રૂ.ર૦૦ લેખે વ્યવસાય વેરો ભરવો પડે છે. મનપાના નાયબ મ્યુનિ. કમિશ્નર એસ.કે.ગરેવાલે જણાવ્યું હતું કે, વ્યવસાય વેરાની નિયમોનુસાર વસૂલાતના આયોજન હેઠળ ૪૦૦થી વધુ સંસ્થાઓને નોટિસ મોકલી છે. મનપા દ્વારા વાર્ષિક ૧૦ કરોડ સુધીની પ્રોફેશનલ ટેકસની આવક મેળવી શકાય તેમ છે. નોટિસમાં જણાવ્યા મુજબ નિયત સમયમાં સંસ્થાઓ દ્વારા નોંધણી કરાવવામાં નહીં આવે તો મનપા દ્વારા જીપીએમસી એકટ મુજબ કાર્યવાહી હાથ ધરાશે.