આણંદ જિલ્લામાં બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવતી સીકલીગર ગેંગના ગુન્હાગારોના ઝડપાયા
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે સુંદણ ફાટક પાસે વોચ ગોઠવીને આસોદર ચોકડી તરફ ચોરી કરવા માટે બાઈક પર જતા સીકલીગર ગેંગના સાળા-બનેવીને ચોરી કરવાના સાધનો સાથે ઝડપી પાડીને પેટલાદ શહેર, વિરોલ અને કાવિઠા ગામે થયેલી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે વધુ તપાસ અર્થે બન્ને પેટલાદ શહેર પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. જ્યાં રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર થોડા સમય પહેલા જ પેટલાદ શહેરની કોલજ ચોકડીએ આવેલી પાણીપુરીની લારીમાંથી ૧૮૦૦ રૂપિયાની મત્તાની ચોરી અને નજીકમાં આવેલી સેવઉસળની દુકાન તેમજ રણછોડજી સર્કલ પાસે એક પાનનો ગલ્લો અને રણછોડજી મંદિરના તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસની ઘટના બની હતી.
ત્યારબાદ નુરાની એપાર્ટમેન્ટ નજીક આવેલા બંધ મકાન તેમજ કુરેશીવાડના પણ એક મકાનમાં નકુચા તોડીને ચોરીની ઘટના બની હતી. જેને લઈને પોલીસે ગુનાઓ દાખલ કરીને સીસીટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. દરમયાન એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, વાસદ ખાતે રહેતો ગુરૂચરણસીંગ ઉર્ફે ભયલુ અને તેની સાથે રહેતો તેનો મહેમદાવાદનો બનેવી માયાસીંગ સંતોકસિંગ સીકલીગર બાઈક લઈને રાત્રીના સુમારે ઘરફોડ ચોરીઓ કરવા માટે જાય છે અને આજે રાત્રીના સુમારે તેઓ આસોદર ચોકડી તરફ જનાર છે. જેથી પોલીસની ટીમ સુંદણ ફાટક પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન રાત્રીના સુમારે બાઈક નંબર જીજે-૨૩, ઈભી-૩૯૪૭ ઉપર ગુરૂચરણસિંગ ઉર્ફે ભયલુ અને માયાસીંગ આવી પહોંચતા જ પોલીસે તેમને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા અને તપાસ કરતા તેમની અંગજડતીમાંથી વાંદરીપાનુ, મોટુ ડીસમીસ, મોબાઈલ તેમજ રોકડ રકમ મળી આવી હતી. જે અંગે પુછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી એલસીબી પોલીસ મથકે લાવીને બન્નેની આકરી પુછપરછ કરતા તેમણે થોડા સમય પહેલા પેટલાદ શહેરમાં થયેલી ઉક્ત ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. આ ઉપરાંત વિરોલ અને કાવિઠા ગામે પણ બંધ મકાનોમાંથી ઘરફોડ ચોરીઓ કર્યાની કબુલાત કરી હતી. જો કે આ બન્ને ચોરીઓ સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ થવા પામી નહોતી. પોલીસે બન્નેને વધુ તપાસ અર્થે પેટલાદ શહેર પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.