આણંદ-ખેડા જિલ્લામાં અંગ દઝાડતી ગરમી શરૂ: પારો ૪૪ ડીગ્રીને પાર કરશે તેમ પણ મનાઈ રહ્યું છે
આણંદ-ખેડા જિલ્લામાં અંગ દઝાડતી ગરમીની શરૂઆત ના થઈ હોય તેમ પારો ૪૧ ડીગ્રી સુધી પહોંચી જવા પામ્યો હતો. જેને લઈને બપોરના ૧૨ લઈને ૫ વાગ્યા સુધી કાળઝાળ ગરમીનો અહેસાસ થયો હતો. સવારના ૧૧ વાગ્યે જ પારો ૩૭ડીગ્રીએ પહોંચી જવા પામ્યો હતો. જે સુર્ય મધ્યાહને આવતા ૪૧ ડીગ્રી સુધી થઈ જવા પામ્યો હતો. જેને લઈને બપોરના સુમારે રસ્તાઓ સુમસામ થઈ જવા પામ્યા હતા અને બજારોમાં પણ કાગળા ઉડતા હોય તેવો માહોલ સર્જાવા પામ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ સુધી આકરી ગરમી પડનાર છે. અને પારો ૪૪ ડીગ્રીને પાર કરશે તેમ પણ મનાઈ રહ્યું છે. બપોરના સુમારે ફુંકાઈ રહેલા ગરમ-ગરમ પવનોને કારણે લુ ના લાગે તે માટે કેટલીક એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં બપોરના ૧૨ થી ૪ વાગ્યા સુધી ઘર કે ઓફિસની બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવી છે. સાથે સાથે વધુમાં વધુ પાણીનો ઉપયોગ કરવો તેમજ અતિ આવશ્યક હોય અને બહાર નીકળવું જ પડે તેમ હોય તો હાથેપગે મોજા તેમજ ચહેરા પર માસ્ક કે રૂમાલ બાંધીને જ નીકળવાની અપીલ કરવામાં આવી છે. ગરમીથી બચવા માટે શહેરીજનો દ્વારા એસી અને કુલરોનો સહારો લેવો પડી રહ્યો છે.