ગુજરાતમાં ગરમીનો પારો 41-42 ડિગ્રી સુધી પહોંચતા નડિયાદ મહાનગરપાલિકાએ સફાઈ કામદારોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. મહાનગરપાલિકાના કમિશનર જી.એચ. સોલંકીના નેતૃત્વમાં આ પહેલ કરવામાં આવી છે. નડિયાદને સ્વચ્છ રાખવા માટે 284 સફાઈ કામદારો દિવસ-રાત મહેનત કરે છે. સવારે 8 વાગ્યાથી શરૂ થતા આકરા તડકામાં કામ કરતા આ કર્મચારીઓને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે.
નડિયાદ શહેરના ખેતા તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તમામ સફાઈ કામદારોને ORS અને એનર્જી ડ્રિંક્સનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કમિશનર સોલંકી, ડેપ્યુટી કમિશનર રૂદ્રેશભાઈ હુદડ, હેલ્થ ઓફિસર પ્રેરણા ગ્વાલાની, ચીફ સેનેટરી મયંક દેસાઈ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રજ્ઞેશ પટેલ અને વેપારી મંડળના મિહિર સુખડીયાના અને તેમની ટીમના સભ્યો આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. મહાનગરપાલિકાએ નાગરિકોને પણ શહેરની સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. સફાઈ કામદારો આકરી ગરમીમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે, તેથી નાગરિકોએ પણ શહેરની સ્વચ્છતામાં સહયોગ આપવો જોઈએ.