આણંદ-વડોદરાને જોડતા ઉમેટા બ્રિજ સાત માસથી પડેલો ભુવાને પુરવાનો તંત્ર પાસે સમયની અછત!
આંકલાવના ઉમેટા મહીસાગર બ્રિજ જે આણંદ અને વડોદરાને જોડતો મુખ્ય માર્ગ ગણવામાં આવે છે. જેમાં દિવસના હાજરો નાના મોટા વાહનો પસાર થાય છે. જેમાં નોકરિયાત, શાળાએ જતા બાળકો તેમજ ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. માટીના ધોવાણથી માર્ગ પર મોટો ભુવો પડી જવાથી રાહદારીઓને ભારે તકલીફ વેઠવી પડે છે. ગાબડું એવી રીતે પડ્યું છે કે વાહન ચાલકને નજીક આવે ત્યાં સુધી નજરે ચડતું નથી. રાત્રી દરમ્યાન તો ભારે સમસ્યા સર્જાઇ છે. જેમાં અનેક અકસ્માત પણ જોવા મળ્યા છે. દિવસે પણ આ ગાબડું નજરે ચડે તેમ નથી. જેને લઈને અહીંથી પસાર થવામાં વાહન ચાલકોને અકસ્માતનો ભય રહ્યા કરે છે. પરંતુ તંત્ર જાણે મોટા અકસ્માતની રાહ જોતું હોય તેમ નજરે પડે છે.
ઉમેટા મહીસાગર બ્રિજ પાસે દર વર્ષે આ ભુવો પડે છે અને વારંવાર રિપેર પણ કરવામાં આવે છે. પરંતુ યોગ્ય તકેદારીથી આ ભુવો રિપેર ન કરવામાં આવતા વાંરવાર આ સ્થળ પર ભુવો પડી જાય છે. જેને લઈને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં અકસ્માતનો ભય રહ્યા કરે છે. જેથી વહેલી તકે આ ભૂવો યોગ્ય રીતે પુરવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.